ગુજરાત
News of Tuesday, 19th November 2019

જગન્નાથ મંદિર : ૭ ગજરાજને શણગારીને કરાયેલી ખાસ પૂજા

પ્રાણીઓ પરત્વે ક્રૂરતા નહી રાખવાનો સંદેશો : મહંત દિલીપદાસ મહારાજ, જીવદયા પ્રેમીની હાજરીમાં સાક્ષાત ગણેશજીના સ્વરૂપ સમા ગજરાજોનું ભવ્ય સન્માન

અમદાવાદ, તા.૧૯ :પ્રત્યેક જીવ પ્રત્યે દયા અને પ્રાણીઓ પરત્વે ક્રુરતા નહી રાખવાના ઉમદા સંદેશા સાથે તેમ જ પીઓપીની ગણેશજીની મૂર્તિઓનો ઉપયોગ કાયમી ધોરણે બંધ કરી સાચા અર્થમાં સાક્ષાત્ ગણેશજીના સ્વરૂપ સમા ગજરાજોની પૂજા-અર્ચના કરી ધાર્મિક આસ્થા બળવત્તર બનાવવાના જાગૃતિ અભિયાન સાથે આજે શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે સાતથી વધુ ગજરાજોને ભવ્ય સાજ-શણગાર કરી તેમની વિશેષ પૂજા-અર્ચના કરી આરતી ઉતારવામાં આવી હતી. અમદાવાદ ડિસ્ટ્રીક્ટ સોસાયટી ફોર ધી પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ(એસપીસીએ) સંસ્થા દ્વારા મહંત દિલીપદાસજી મહારાજ અને જીવદયા પ્રેમીઓની હાજરીમાં સાક્ષાત ગણેશજીના સ્વરૂપ સમા ગજરાજોનું ભવ્ય સન્માન કરાયુ હતુ અને આ પ્રસંગે જગન્નાથજી મંદિરના ગજરાજોને પ્રિય એવા ફળફળાદી, લીલોતરી શાકભાજી, ગોળ જેવી વિવિધ ખાદ્ય સામગ્રીઓની બનાવાયેલી વિશાળ પ્રાકૃતિક કેક નૈવેધ- પ્રસાદરૂપે ખવડાવવામાં આવી હતી.

             અમદાવાદ ડિસ્ટ્રીકટ સોસાયટી ફોર ધી પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ(એસપીસીએ)ના જીવદયા સંદેશ અને જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા આમંત્રિત મહેમાનોનું જગન્નાથજી મંદિરના મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા દ્વારા આશીર્વચન સાથે ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ ડિસ્ટ્રીકટ સોસાયટી ફોર ધી પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ(એસપીસીએ)ના વાઇસ ચેરમેન શ્રી દિલીપભાઈ શાહ, જીવદયા પ્રેમી કપિલ ઠક્કર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના વાઇસ ચેરમેન દિલીપભાઇ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રામાં પ્રતિવર્ષ સામેલ થતાં ગજરાજ સમૂહને શણગારીને મંદિરના મુખ્ય પ્રાંગણમાં ગજરાજોનું સનાતન ધર્મની પરંપરામુજબ પૂજન-અર્ચન કરીને, મહાઆરતી કર્યા બાદ પ્રત્યેક ગજરાજોને પ્રિય એવા ફળફળાદી, લીલોતરી શાકભાજી, ગોળ જેવી વિવિધ ખાદ્ય સામગ્રીઓની બનેલ વિશાળ પ્રાકૃતિક કેક આમંત્રિત મહેમાનોનાં હાથોહાથ નૈવેધ- પ્રસાદરૂપે જમાડવાની એક વિશિષ્ટ પ્રકારની ઉજવણી કરવામાં આવી છે.

           તેની પાછળનો ઉદ્દેશ એ છે કે, ગણેશ મહોત્સવ જેવા રાષ્ટ્રીય પાવન મહોત્સવ દરમ્યાન જાણે-અજાણે શ્રધ્ધાળુ નાગરિકો  પીઓપીની ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરતા હોય અને બાદમાં તેની નદી નાળામાં પધરામણીના કારણે તેમાંથી ઝેરી અને ખરાબ કેમીકલના કારણે પાણીમાં રહેતી માછલીઓ સહિતની જીવસૃષ્ટિ નાશ પામતી હોય છે ત્યારે જીવદયા અને પ્રાણીઓ પર ક્રૂરતા ના આચરાય તે હેતુથી શ્રી ગણેશ ભગવાનનાં સાક્ષાત્ સ્વરૂપ- જીવંત ગજરાજોની પૂજા-અર્ચના કરી શ્રધ્ધા ભકિત અને ધાર્મિક આસ્થાજાળવવાના પ્રયાસો થાય તેજરૂરી છે. તો, ગજરારોજનું પણખરા અર્થમાં સંરક્ષણ અને સંવર્ધન થશે. ગજરાજોના સમૂહના આજના પૂજન-અર્ચન અને આરતીના ભવ્ય પ્રસંગમાં ગુજરાત સહિત દેશભરમાંથી જીવદયા પ્રેમીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા.

(9:45 pm IST)