ગુજરાત
News of Tuesday, 19th November 2019

સૌપ્રથમવાર બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ રહેશે

૨૨મી નવેમ્બરથી કાર્યશિબિર

અમદાવાદ, તા.૧૯ :  દેશની એકમાત્ર અને સૌપ્રથમ એવી ચીલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આગામી તા.૨૨ અને ૨૩ નવેમ્બર દરમ્યાન રાજયના પાટનગર ગાંધીનગર ખાતે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી સંકુલ ખાતે પ્રારંભિક બાળ સંભાળ અને વિકાસ વિષય પર બહુ મહત્વના રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાના આ મહત્વના સેમીનારમાં નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કૂલ(એનઆઇઓએસ)ના ચેરમેન સી.બી.શર્મા, વિદ્યાભારતીના અવનિશ ભટનાગર સહિતના અનેક મહાનુભાવો ખાસ વકતવ્ય આપશે. રાષ્ટ્રીય પરિસંવાદના ઉદ્ઘાટન પ્રસંગે તા.૨૨મી નવેમ્બરે રાજયના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ હાજર રહેશે એમ અત્રે ચીલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.હર્ષદભાઇ શાહ અને પ્રો.જયેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચીલ્ડ્રન્સ યુનિવર્સિટીની ૨૦૦૯માં સ્થાપના થઇ ત્યારથી આજદિન સુધી બાળકનું ગર્ભાધાન થાય તે પહેલાથી તપોવન કેન્દ્ર, બાળકના જન્મ પછી સંસ્કાર સિંચન અને તેના કૌશલ્ય અને વ્યકિતત્વ નિખાર અને તેના સર્વાંગી વિકાસ માટે વિદ્યાનિકેતન સહિતના અનેકવિધ પ્રોજેકટ અને શિક્ષણકાર્ય ચાલી રહ્યા છે.

             ચીલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.હર્ષદભાઇ શાહ અને પ્રો.જયેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે, અન્ય યુનિવર્સિટીઓ ટેકનોલોજીકલ અને આધુનિક ઉપકરણોનો આધાર લઇ બાળકનો વિકાસ પ્રયોજે છે પરંતુ તેમનો ભાવનાત્મક કે ચરિત્રાત્મક વિકાસ થતો નથી અને શ્રેષ્ઠ મનુષ્ય બનવાની દિશામાં આગળ વધી શકાતુ નથી. જયારે આ યુનિવર્સિટીનો આધાર ભાવનાત્મક વિકાસ છે, ચરિત્રાત્મક વિકાસ છે. મનુષ્યના અંતઃકરણને દિવ્ય અને પ્રકાશમાન બનાવવાની પ્રક્રિયા છે, જેનો પાયો અધ્યાત્મ છે. એટલું જ નહી, વર્તમાન વિશ્વની અસંખ્ય સમસ્યાઓના નિવારણનો ઉકેલ પણ તેમાં જ છે. ગર્ભવિજ્ઞાન, ગર્ભ સંસ્કાર, બાળ ઉછેર અને પ્રત્યેક બાળકની આંતરિક મૌલિક શકિતઓ જગાડી તેને શ્રેષ્ઠ મનુષ્ય બનાવવાની દિશામાં નવ પ્રસ્થાન આ ચીલ્ડ્રન્સ યુનિવર્સિટીનું લક્ષ્ય છે. તે હેતુથી જ આગામી તા.૨૨ અને ૨૩ નવેમ્બર દરમ્યાન રાજયના પાટનગર ગાંધીનગર ખાતે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી સંકુલ ખાતે પ્રારંભિક બાળ સંભાળ અને વિકાસ વિષય પર બહુ મહત્વના રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી જાણીતા નિષ્ણાત મહાનુભાવો અને તજજ્ઞો ઉપરાંત, ૬૦૦થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે.

(9:41 pm IST)