ગુજરાત
News of Tuesday, 19th November 2019

હાલ નિત્યાનંદ સાથે મહિલા વિન્ડિઝમાં : પોલીસને શંકા

ઇમિગ્રેશન વિભાગની પણ મદદ લેવાઈ છે : નિત્યાનંદ વિરૂદ્ધ કેટલા ગુના અને કેટલા મામલા છે તેને લઇ પોલીસની ઉંડી તપાસનો દોર : સાયબર સેલ સક્રિય

અમદાવાદ, તા. ૧૯ : નિત્યાનંદ આશ્રમ મામલામાં તપાસનો દોર જોરદારરીતે ચાલી રહ્યો છે ત્યારે ચાર બાળકોને લઇને વિવાદ વધુ ઘેરો બન્યો છે જેમાં ૨૧ અને ૧૮ વર્ષની બે બહેનો અને તેમના ૧૩ વર્ષના ભાઈને લઇને આ મામલો છેડાયો છે. આ સમગ્ર મામલામાં હવે પોલીસે શોધખોળના ભાગરુપે ઇમિગ્રેશન વિભાગ પાસે મદદ માંગી છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલામાં યુવતીઓ અને નિત્યાનંદને શોધવા પોલીસ વધુ આક્રમક બની ગઈ છે. યુવતીઓ વીઓઆઈપીથી કોલ કરે છે જેથી તેમના અંગે માહિતી મળી રહી નથી. પોલીસે નિત્યાનંદના મામલામાં કર્ણાટક અને તમિળનાડુ પોલીસ સાથે પણ સંપર્ક કર્યો છે. સાયબર સેલની મદદ પણ લેવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ હજુ સુધીની તપાસના આધારે માની રહ્યા છે કે, ૨૧ વર્ષીય યુવતી વેસ્ટઇન્ડિઝમાં ત્રિનિદાદ ખાતે હોઈ શકે છે અને નિત્યાનંદ પણ તેમની સાથે હોઈ શકે છે. સાયબર સેલના કહેવા મુજબ મહિલા વાયા સ્કાયપથી વાતચીત કરી રહી છે અને તે માતા-પિતા પાસે પરત ફરવા ઇચ્છુક નથી.

                પોલીસ પાસે હવે જે સાધનનો ઉપયોગ યુવતી દ્વારા કરાયો હતો તેના આઈપી એડ્રેસ આવી ગયા છે. હાલમાં જે માહિતી છે તે મુજબ યુવતી વેસ્ટઇન્ડિઝમાં છે. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ બાળકોના પિતા જનાર્દન શર્મા અગાઉ પણ આશ્રમમાં કામ કરી ચુક્યા છે અને બેંગ્લોરમાં આશ્રમમાં જ બાળકોને મુક્યા હતા. આશ્રમ સત્તાવાળાઓ અને શર્મા વચ્ચે કોઇ વાત બન્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ઇમિગ્રેશન વિભાગની મદદ લઇને વધુ તપાસ આગળ વધી છે. નિત્યાનંદ પોતે પણ વિદેશમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

(8:47 pm IST)