ગુજરાત
News of Tuesday, 19th November 2019

વિવાદો વચ્ચે નિત્યાનંદે પોતે વિડિયો પોસ્ટ કરી મૌન તોડ્યુ

ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે : ગુજરાતના ભક્તો શિસ્તબદ્ધ, સત્યનિષ્ઠ અને અસાધારણ

અમદાવાદ, તા.૧૯ : નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા ત્રણ દિવસથી મથામણ કરી રહેલા બેંગાલુરુના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધો નથી અને ગુમ થયેલી યુવતીઓને લઇ સમગ્ર વિવાદ વકર્યો છે ત્યારે આજે ખુદ નિત્યાનંદે મૌન તોડયુ હતુ અને ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે, ગુજરાતના અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. હાથીજણ ખાતેના નિત્યાનંદ આશ્રમના વિવાદમાં સ્વામી નિત્યાનંદે ટવીટર પર પોતાનો મત રાખતાં જણાવ્યુ કે,  ગુજરાતના ભક્તો સૌથી શિસ્તબદ્ધ અને શ્રેષ્ઠ છે, હું ઝૂકવાનો નથીઃ નિત્યાનંદ હું પહેલા તમને મારું સ્ટેન્ડ કહી દઉં, જે કોઈ મારા પર હુમલો કરે છે તે સીક્રેટ જાણે છે કે, જો મારા ભક્તોને શિકાર બનાવવામાં આવશે તો હું સમાધાન કરી લઈશ. તેઓ જાણે છે કે જો તેમના ભક્તોને નિશાન બનાવાશે તો હું ઝુકી જઈશ. તેમણે મને ઝુકાવવા એક વ્યૂહ અપનાવ્યો છે. પરંતુ હું ઝુકવાનો નથી. મારા ગુજરાતના ભક્તો શિસ્તબદ્ધ, સત્યનિષ્ઠ અને અસાધારણ ભક્તો છે. મારા ગુજરાતના ભક્તો શ્રેષ્ઠ છે,

                   હું તેમનું નામ લેવા માગતો નથી. તેમની મારા પ્રત્યેની વફાદારી છે. આ પ્રકારની સ્થિતિમાં પણ મારી રીતે મજબૂત રીતે ઉભા છે. મીડિયા દ્વારા તેને અલગ અલગ એંગલથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હું મારા ગુજરાતના ભક્તોનો ખૂબ ખૂબ આભારી છું. મીડિયા તેમને નિશાન ન બનાવે તે માટે હું તેના નામ આપીશ નહીં. પરંતુ હું ભક્તોની હેરાનગતિ જોઈ શકું નહીં. અમને અન્ન, રહેઠાણ સહિત તમામ મદદ કરવા બદલ હું ગુજરાતના ભક્તોનો આભારી છું. આમ હવે એક બાજુ, ગુજરાત પોલીસ ગુમ થયેલી યુવતી નિત્યાનંદિતા અને તેની બહેનની ભાળ મેળવવાના પ્રયાસો કરી રહી છે.

(8:43 pm IST)