ગુજરાત
News of Tuesday, 19th November 2019

આણંદ નજીક વઘાસીમાં રાત્રીના સુમારે દારૂ ભરેલ કાર પલ્ટી ખાતા રસ્તા પર દારૂની નદીઓ વહેવા લાગી: ફરાર કાર ચાલકને શોધવા તજવીજ હાથ ધરાઈ

આણંદ: નજીક આવેલા વઘાસી ગામના ઓવરબ્રીજ પાસે ગઈકાલે રાત્રીના સુમારે વિદેશી દારૂ ભરેલી કાર પલટી મારી જતાં તેમાંથી દારૂ ભરેલી કાચની બોટલો તૂટી જતાં રોડ ઉપર દારૂ જ દારૂ થઈ જવા પામ્યો હતો. જો કે ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. આ અંગે પોલીસે પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના પોણા અગિયાર વાગ્યાના સુમારે વડોદરાથી આણંદ તરફ આવી રહેલી હોન્ડા અમેઝ કાર નંબર જીજે-૦૬, એફક્યુ-૨૧૯૩ની ડીવાઈડર પર ચઢીને પલટી મારી ગઈ હતી જેને કારણે કારમાં લવાયેલી વિદેશી દારૂની કાચની બોટલો તૂટી જતાં રોડ ઉપર દારૂ જ દારૂ થઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ આણંદ રૂરલ પોલીસને કરવામાં આવતાં પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ કરતા કારની અંદરથી વિદેશી દારૂ ભરેલી બે બોટલો આખી મળી આવી હતી. કાર પલટી મારી જતાં જ તેના કાચ તૂટી જવા પામ્યા હતા અને બોનેટ સહિતના ભાગોને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતુ. કારનો ચાલક પકડાઈ જવાની બીકે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

(5:50 pm IST)