ગુજરાત
News of Tuesday, 19th November 2019

સુરતના ખટોદરામાં કોમ્પ્લેક્ષમાં તસ્કરોનો તરખાટ: ત્રણ ઓફિસના તાળા તોડી 1.34 લાખની મતાની ઉઠાંતરી

સુરત: શહેરના ખટોદરાના લેક ગાર્ડન નજીક વેલેન્ટીનો કોમ્પ્લેક્ષમાં ગત રાત્રે ત્રાટકેલા તસ્કરો એક પછી એક ત્રણ ઓફિસના તાળા તોડી ચાર લેપટોપ અને રોકડ મત્તા મળી કુલ રૂા. 1.34 લાખથી વધુની મત્તા ચોરીને ભાગી ગયા હતા. પોલીસે સીસીટીવીના ફુટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવાની કવાયત હાથ ધરી છે.

શહેરમાં સક્રિય થયેલી તસ્કર ટોળકી ગત રાત્રે ખટોદરાના લેક ગાર્ડન નજીકના વેલેન્ટીનો કોમ્પ્લેક્ષમાં ત્રાટકી હતી. તસ્કરોએ કોમ્પ્લેક્ષના ઓફિસ નંબર 222 ના શટરનું તાળુ તોડી અંદર પ્રવેશી એસેર અને કોમ્પેક કંપનીના બે લેપટોપ અને રોકડા રૂા. 8 હજાર મળી રૂા. 70,900 ની મત્તા, દુકાન નંબર 222ની ગ્રીલનું તાળુ તોડી નિખીલકુમાર હરિશકુમાર જરીવાલાની ઓફિસમાંથી ડેલ કંપનીનું લેપટોપ કિંમત રૂા. 26 હજાર અને દુકાન નંબર 223 ની પણ ગ્રીલ તોડી મયુરભાઇ ભરતભાઇ વાદીની ઓફિસમાંથી ડેલ કંપનીનું લેપટોપ કિંમત રૂા. 29,500 ની મત્તાનું મળી કુલ રૂા. 1.34 લાખથી વધુની મત્તા ચોરી ગયા હતા. 

(5:44 pm IST)