વડોદરાના વાઘોડિયા તાલુકામા નદીમાંથી મળેલ અજાણ્યા યુવકની લાશનો ભેદ ઉકેલાયો: નશાની પાર્ટી બાદ હત્યાને અંજામ આપનાર મિત્ર સહિત કૌટુંબિક ભત્રીજાની ધરપકડ
વડોદરા:વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામે દેવ નદીમાંથી મળેલ અજાણ્યા યુવાનની હત્યા થયેલી લાશની ઓળખ બાદ હત્યાનો ભેદ પણ ઉકેલાયો છે. તવરા ગામના યુવાનની હત્યા વડોદરાના મિત્ર તેમજ તવરા ગામના કુટુંબી ભત્રીજાએ કરી હોવાની વિગતોનો પર્દાફાશ થતાં પોલીસે બંનેની ધરપકડ કરી છે.
દેવ નદીના કિનારે અજાણ્યા યુવાનની તા.૧૨ના રોજ હત્યા થયેલી લાશ મળી હતી. વાઘોડિયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યા બાદ જિલ્લા એલસીબીની વિવિધ ટીમો દ્વારા યુવાનની ઓળખ મેળવવાના પ્રયાસો દરમિયાન તેનું નામ ગણપત ગોરધન વસાવા અને તવરા ગામનો રહીશ હોવાનું ખુલ્યું હતું. ગણપતના માતા-પિતા હયાત નહી હોવાથી તે અલગ અલગ જગ્યાએ મજૂરી કરતો હતો તેમજ મોટા ભાગે કરજણ ખાતે રહેતા મોટા બહેન સુધાબેનના ઘેર જતો પોતાના ઘેર ક્યારેક આવતો હતો તેવી વિગત પોલીસને મળી હતી.