ગુજરાત
News of Tuesday, 19th November 2019

ભયજનક ઇમારતોના કારણે અકસ્માતોમાં ગુજરાત ત્રીજા ક્રમે

૧૦૪ બનાવોમાં ૧૧૪ લોકોએ જીવ ગુમાવ્યા : ડો. મનીષ દોશી

રાજકોટ તા ૧૯  : અમદાવાદમાં બોપલ,નિકોલ, ઘાટલોડિયા, પાણીની ટાંકી ધરાશાયી થયાની ઘટનામાં ચારથી વધુના મોત અને ૧૫થી વધુ લોકોને ગંભીર ઇજા તે રીતે જ વડોદરામાં પાણી ટાંકી ધરાશાયી થયાની ઘટનાએ રાજયમાં ભાજપ સરકારની બેદરકારી અને અસંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. અમદાવાદમાં કુલ ૧૯૧ પાણીની ટાંકીમાંથી ૧૧૮ પાણીની ટાંકી કાર્યરત છે. ૭૩ ટાંકીઓ બંધ પડેલ છે. કાર્યરત ૧૧૮ પાણીની ટાંકીમાંથી ૨૬ અતિ ભયજનક છે. વડોદરામાં ૨૯ પાણીની ટાંકીમાંથી ૪ પાણીની ટાંકી ભયજનક છે. જયારે જામનગરમાં ૬ પાણીની ટાંકીમાંથી ૩ પાણીની ટાંકી અને ભાવનગરમાં ૮ પાણીની ટાંકીમાંથી ૧ પાણીની ટાંકી ભગજનક છે.

રાજયમાં ભયજનક ઇમારતો, જર્જરિત સ્ટ્રકચરો અંગે સમયસર સમારકામના અભાવે અને તંત્રની અનદેખીના પરિણામે ગંભીર અકસ્માતોમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમાંકે છે. ''એકસિડન્ટલ ડેથ, એન્ડ સુસાઇડ ઇન ઇન્ડિયા'' ૨૦૧૯નો તાજેતરમાં જાહેર થયેલ અહેવાલનાં ચિંતાજનક આંકડાઓ રજુ કરતા કોંગ્રેસપક્ષના નેતા ડો. મનીષ દોશી (એન્જીનીયર) જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે બહાર પાડેલ અહેવાલમાં ૨૯ રાજયો અને ૭ કેન્દ્ર શાસિત પ્રદેશના આંકલનમાં રહેણાંક વિસ્તારના સ્ટ્રકચર તુટી પડવાના કુલ ૧૦૪ બનાવોમાં ૧૧૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાતનો ત્રીજો ક્રમાંક છે. જે ગુજરાત માટે ચેતવણીરૂપ છે. ભયજનક ઇમારતો, જર્જરીત સ્ટ્રકચરો તૂટી પડવાના સમગ્ર દેશમાં ૧૧૧૫ ઘટનામાં ૧૧૩૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.

બ્રીજ, કોમર્શીયલ અને અન્ય સ્ટ્રકચરો તૂટી પડવાના કુલ ૧૫૨ બનાવોમાં ૧૬૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. સમગ્ર દેશમાં આવી દુર્ઘટનામાં ગુજરાત ચોથા ક્રમાંકે છે, જે ગુજરાત માટે ચિંતાજનક છે. સ્ટ્રકચરો તુટી પડવાના સમગ્ર દેશમાં ૧૮૯૬ ઘટનામાં ૧૯૮૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.

(3:46 pm IST)