ગુજરાત
News of Tuesday, 19th November 2019

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં સતત વધારો નોંધાશે

સવારમાં ઠંડા પવનો ફુંકાવવાની શરૂઆત થઇ : લઘુત્તમ તાપમાનમાં આગામી ૪૮ કલાકમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ પારો ગગડવાની પ્રબળ શક્યતા

અમદાવાદ, તા. ૧૮ :  અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીની ધીમીગતિથી શરૂઆત થઇ ચુકી છે. લઘુત્તમ તાપમાનમાં પણ હવે ઘટાડો થઇ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે પારો જોરદારરીતે ગગડ્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ જ લઘુત્તમ તાપમાનમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. લઘુત્તમ તાપમાન હજુ પણ ઘટી શકે છે. આગામી ૪૮ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર થશે નહીં પરંતુ ત્યારબાદ તેમાં ઘટાડો થઇ શકે છે. આજે અમદાવાદ શહેરમાં પણ પારો ગગડીને ૧૮.૮ સુધી થયો હતો. સૌથી વધારે ઠંડીનો અનુભવ આજે રાજ્યના નલિયામાં થયો હતો જ્યાં પારો ૧૭ ડિગ્રી સુધી નીચે રહ્યો હતો. બીજી બાજુ અમદાવાદ શહેરમાં વહેલી સવારમાં ઠંડા પવનો ફુંકાવવાની શરૂઆત થઇ ગઇ છે

           જેથી સવારમાં કસરત માટે વહેલી સવારે નજરે પડતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ફુલગુલાબી ઠંડી વચ્ચે સવારમાં જ લોકો વોકિંગ, જોગિંગ અને રનિંગ કરતા નજરે પડવા લાગી ગયા છે. આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધુ વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. આ વખતે કમોસમી વરસાદનો ગાળો પણ રહ્યો છે જેથી ગ્રામિણ વિસ્તારમાં જોરદાર ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે. એકબાજુ ગુજરાતમાં હજુ પ્રમાણમાં ઓછી ઠંડી દેખાઈ રહી છે જ્યારે પડોશી રાજ્ય રાજસ્થાનમાં લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ ચુક્યા છે અને જોરદાર ઠંડીનો ચમકારો લોગો અનુભવી રહ્યા છે. ગરમ વસ્ત્રો નીકળી ચુક્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ગુજરાતના અન્ય ભાગો માટે કોઇપણ પ્રકારની ચેતવણી ભારે વરસાદ અથવા તો ઠંડીને લઇને જારી કરાઈ નથી પરંતુ હાલમાં ઉત્તરપૂર્વીય પવનો પ્રદેશ ઉપર નિચલી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે જેથી લઘુત્તમ તાપમાન ઘટશે. અમદાવાદમાં આવતીકાલે પારો ૨૦ ડિગ્રીની આસપાસ રહી શકે.

(9:15 pm IST)