ગુજરાત
News of Tuesday, 19th November 2019

ડિજિટલ ગુજરાત નિર્માણ ક્ષેત્રે વધુ એક નક્કર પગલું

૧૩ વ્યક્તિલક્ષી યોજનાઓ ઓનલાઈન કરાઈ : શિષ્યવૃત્તિ સિવાયની અન્ય યોજનાઓમાં લાભાર્થી સીધો લાભ બેંક ખાતામાં મેળવી શકે તે હેતુથી વ્યવસ્થા ગોઠવાઈ

અમદાવાદ,તા.૧૮ :  સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પારદર્શિતાથી નાગરિકોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગની વધુ ૧૩ વ્યક્તિલક્ષી યોજનાઓ ઓનલાઇન કરાઇ છે. આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની ૧૩ યોજનાઓનું ઓનલાઇન લોન્ચીંગ કરતાં મંત્રી પરમારે કહ્યું કે, ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે  રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ શિષ્યવૃત્તિ સિવાયની અન્ય યોજનાઓમાં પણ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેન્ક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી આ વ્યક્તિલક્ષી યોજનાનો અમલ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારને નિર્ણય કર્યો છે.

         જેમાં મખ્યત્વે ડૉ. આંબેડકર આવાસ યોજના, માનવ ગરિમા યોજના, કુંવરબાઇનું મામેરૂ યોજના, વિદેશ અભ્યાસ લોન, કોમર્શિયલ પાયલોટ લોન, પંડિતદિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, બસ પાસ યોજના, સાધન સહાય યોજના, સંત સુરદાસ યોજના જેવી યોજનાઓ ઓન લાઇન કરાઇ છે. જેમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ 'ઇ સમાજ કલ્યાણ' વેબ સાઇટ મારફત ઓનલાઇન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકશે. પરમારે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ,  નિયામક, વિકસતી જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા જુદી જુદી શિષ્યવૃત્તિ તેમજ પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રિ એસ.એસ.સી. તેમજ પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિઓ વર્ષ-૨૦૧૭-૧૮થી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઇન કરીને ચૂકવવામાં આવે છે.

(9:10 pm IST)