ગુજરાત
News of Monday, 19th November 2018

ભાર્ગવી ભાગી તેના ત્રણ દિવસ પહેલા ૩૦ લાખ ઉપાડયા હતા

રોજ દોઢ કરોડથી વધુ કંપનીમાં જમા થતી હતી : વિનયનું કોઈ ડિમેટ એકાઉન્ટ સીઆઈડી ક્રાઈમને મળતું નથી : મળતિયાઓને ભેટ આપી પ્રોત્સાહન આપતો હતો

અમદાવાદ, તા.૧૯ : રૂ. ૨૬૦ કરોડથી વધુનું ફુલેકું ફેરવી ફરાર થયેલાં વિનય શાહ અને ભાર્ગવી શાહની એક બાદ એક કરતૂતો બહાર આવી રહી છે. વિનય શાહ અને ભાર્ગવી શાહ આર્ચર કેર અને વર્લ્ડ કલેવરેક્ષ સોલ્યુશનમાં રોકાણકારોને ફસાવ્યા બાદ આર્ચર કોઈન લાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેની કોર ગ્રુપના ૧૭૫ સભ્યોને હોટલ મેરિયટમાં રૂ.૧૬૦૦ની ડીશ જમાડી હતી. તે સમયે જસત્યમેવ જયતે ફિલ્મનું પ્રમોશન કરવા આવેલ જહોન અબ્રાહમને આર્ચર કેરમાં વિનય શાહે બોલાવ્યા હોવાનું સીઆઈડી ક્રાઈમની તપાસમાં ખુલ્યું છે. સીઆઈડી ક્રાઈમ ફિલ્મના હીરોને કેટલા નાણાં આપ્યા તે બાબતે તપાસ હાથ ધરાય તેવી શક્યતાઓ છે. તપાસમાં એવી ચોંકાવનારી વિગત પણ સામે આવી હતી કે, વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ભાગી તેના ત્રણ દિવસ પહેલાં તેણીએ રૂ.૩૦ લાખ રોકડા ઉપાડયા હતા. વિનય શાહની કંપનીમાં રોજના દોઢ કરોડથી વધુ રકમ જમા થતી હતી. વિનય શાહ નિર્દોષ નાગરિકો પાસેથી મોટાપાયે રોકાણ લાવી શકાય તે માટે તેના એજન્ટો અને મળતીયાઓને લેપટોપ, સોનાના સિક્કા જેવી મોંઘીદાટ ભેટસોગાદો આપી તેઓને પ્રોત્સાહન આપતો હતો. સીઆઈડી ક્રાઈમ દ્વારા રૂ.૨૬૦ કરોડના કૌભાંડના આરોપી વિનય શાહ, ભાર્ગવી શાહ, મેનેજર દાનસિંહ વાળા સહિતના ઘરે અને ઓફિસથી વર્લ્ડ કલેવરેક્ષ સોલ્યુશન અને આર્ચર કેર ડીજી કંપનીને લગતા દસ્તાવેજો મળ્યા હતા. જેમાં વિનય શાહે પોતાની કોર ગ્રૂપ બનાવ્યુ હતુ. આ કોર ગ્રૂપમાં કુલ ૧૭૫ મુખ્ય સભ્યો હતા. જેમને બે વર્ષમાં દુબઈ, બાલી, રશિયા, મડાઈલેન્ડ સહિતના દેશોમાં ફરવા લઈ ગયો હતો. એટલુ જ નહીં કોર ગ્રુપના જે સભ્યો રોકાણકારો પાસેથીવધુ રકમ લાવતા તેમને લેપટોપ સહિતના ગીફટો આપવાનું ચાલુ કહ્યું હતું. આમ કોર ગ્રુપના સભ્યો ગિફ્ટના લાલચમાં રોકાણકારોને વધુ રોકાણ કરાવવા માટે ફસાવતા ગયા હતા. વિનય શાહ શેરબજારમાં મોટાપાયે સટ્ટો રમતો હોવાનું બહાર આવ્યું છે જો કે તેનું કોઈ ડિમેટ એકાઉન્ટ હજુ સુધી સીઆઈડી ક્રાઈમને મળતું નથી. તેણે બેંગ્લોર, વડોદરા અને યુપીમાં બ્રાન્ચો ખોલી રાખી હતી. સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે, રોકાણકારોના નાણાંથી જલસા કરતા વિનય શાહ અને ભાર્ગવી શાહે તેના કોર ગ્રુપના ૧૭૫ સભ્યોને ગિફ્ટમાં ગોલ્ડના કોઈન આપ્યા હતા. વિનય શાહની કંપનીના કોર ગ્રુપના સભ્યો રોકાણકારોને ફરિયાદ કે નિવેદન નહીં આપવા માટે જણાવી રહ્યા છે. આર્ચર કેર કંપનીમાં રોકાણકારો કેટલા હતા.

આ રોકાણકારો કોના મારફતે રોકાણ કરતા હતા, કંપનીના કોર ગ્રૂપના ૧૭૫ મુખ્ય પછી તેમની નીચે કોણ-કોણ કામ કરતુ હતુ, બેંકનો વહીવટ કોણ સંભાળતા હતો, ઓફિસમાં કોણ-કોણ આવતુ-જતુ હતુ તે સહિતની માહીતી સીઆઈડી ક્રાઈમે મેળવીને ત્રણ જેટલા કર્મચારીઓના નિવેદનો લીધા છે. આર્ચર કેર કંપનીમાં ભાર્ગવી શાહ પણ ડાયરેકટર હતી તેનું આઈડીબીઆઈ બેંકમાં ખાતું ધરાવે છે. આ બેંકના ખાતામાંથી ભાર્ગવી શાહ નાસી ગઈ તેના ત્રણ દિવસ પહેલા રૂ.૩૦ લાખ રોકડા ઉપાડી લીધા હોવાનું સીઆઈડી ક્રાઈમની તપાસમાં બહાર આવ્યુ છે. આર્ચર કેર કંપનીમાં રોકાણકારો મોટાપાયે રોકાણ કરવાનું ચાલુ કર્યું હતું. જેમાં દરરોજના દોઢ કરોડથી વધુ નાણાં કંપનીમાં જમા થવા લાગતા તાકીદે નાણાં ગણવાનું મશીન લાવ્યો હતો. દરરોજ દોઢ કરોડની રકમ આવતી હતી અને સામે રોકાણકારોને ૮૦ લાખ રૂપિયા પેમેન્ટ કરાતું હતું. જયારે બાકીના રોકડા નાણાં વિનય શાહ ઘરે લઈ જતો હતો. આમ, સમગ્ર કૌભાંડમાં એક પછી એક સનસનીખેજ માહિતીઓ સામે આવી રહી છે.      

(8:40 pm IST)