ગુજરાત
News of Monday, 19th November 2018

ઉમરેઠ પોલીસે બેચરીની સીમમાં છાપો માર્યો: 3.56 લાખનો મુદામાલ જપ્ત: પિતા-પુત્રની અટકાયત

ઉમરેઠ: પોલીસે બેચરી ગામની ડુંગરીપુરા સીમમાં છાપો મારીને ૩.૫૬ લાખના વિદેશી દારૂ સાથે પિતા-પુત્રને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠ પોલીસને આજે સવારના સુમારે એક હકિકત મળી હતી કે, બેચરી ડુંગરીપુરા સીમમાં રહેતો નટુભાઈ સોમાભાઈ સોલંકી વિદેશી દારૂનું વેચાણ કરે છે અને છોટા હાથી ટેમ્પામાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે જેના આધારે પોલીસે છાપો મારતાં નટુભાઈ સોમાભાઈ સોલંકી તથા તેમનો પુત્ર દિનેશભાઈ ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે સ્થળ પરથી એક છોટા હાથી નંબર જીજે-૨૩, એક્સ-૫૦૮૫નો કબજે કરીને તેમાં તપાસ કરતાં પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કીની ૪૪ પેટી તેમજ એપીસોડ ક્લાસીક વ્હીસ્કીની ૧૧ પેટી મળીને કુલ ૭૧૨ બોટલો મળી આવી હતી જેની કિંમત ૩.૫૬ લાખ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે બે મોબાઈલ અને ટેમ્પો મળીને કુલ ૫.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બન્નેની અલગ-અલગ પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો ડાકોર ખાતે રહેતો રાજુભાઈ સોલંકી નામનો શખ્સ આપી ગયો હોવાની કબુલાત કરી હતી. જેથી પોલીસે તેના વિરૂદ્ઘ પણ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

(5:13 pm IST)