ગુજરાત
News of Tuesday, 19th October 2021

વડોદરામાં આધેડને ન્યાય ન મળતા શરીરે આગ ચાંપી દેતા કોર્ટમાં દોડધામ

વડોદરા : કોર્ટમાં આજે બપોરે એક આધેડે 'મને ન્યાય નથી મળતો' એવી બુમો પાડીને શરીરે આગ લગાવી દીધી હતી જેના પગલે ચાલુ કોર્ટે દોડધામ થઇ ગઇ હતી. વકીલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઓલવી નાખી હતી જે બાદ આધેડને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર આધેડની ઓળખ ઇન્દ્રવદન દિનકરરાય દવે તરીકે થઇ છે. તેની ઉમર ૫૮ વર્ષની છે અને વાઘોડિયા રોડ ઉપર રહે છે તેવુ તે કહેતો હતો. ઘટના સ્થળે હાજર બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટનુ કહેવુ છે કે આધેડે પોતાના પર આગ લગાવ્યા બાદ બુમો પાડતો હતો. હું ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે તે એવુ કહેતો હતો કે 'મને ન્યાય મળતો નથી. મને મરી જવા દો' પોલીસ જ્યારે તેને એમ્બ્યુલન્સમાં બેસાડી રહી હતી ત્યારે પણ તે પોલીસને કહેતો હતો કે 'મને ન્યાય મળતો નથી એટલે મને સળગાવીને મારી નાખો'

આધેડ ઇન્દ્રવદન દવેનું કહેવુ છે કે આત્મવિલોપન કરવા માટે તેણે કોર્ટમાં પાર્ક કરેલા વાહનમાંથી પેટ્રોલ એક બોટલમાં લીધુ હતુ અને પછી પહેલા માળે આવી પેટ્રોલ પોતાના શરીર ઉપર છાંટીને લાઇટરથી આગ લગાવી દીધી હતી જેના કારણે તે પીઠના ભાગે દાઝી ગયો હતો. પોલીસે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. વડોદરા કોર્ટ પરિસરમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. આ ઘટનાથી કોર્ટની સુરક્ષા બાબતે પણ સવાલ ઉભો થયો છે. કોર્ટમાં સેંકડો વાહનો પાર્ક કરેલા હોય છે જેમાંથી કોઇ પણ વ્યક્તિ પેટ્રોલ ડિઝલની ચોરી કરીને આવી ઘટનાનો અંજામ આપે તો જ્જ અને વકીલોની સુરક્ષા જોખમમાં મુકાઇ શકે છે. 

(5:24 pm IST)