ગુજરાત
News of Friday, 19th October 2018

મહેમદાવાદ નજીક સર્જાયેલ જુદા-જુદા બે અકસ્માતમાં એકનું કરુણ મોત: બેને ગંભીર ઇજા

મહેમદાવાદ: તાલુકાના વડદલા તેમજ પીપલગ વળાંક ઉપર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે જણાંને ઈજા થઈ હતી. જ્યારે ગંભીર અને ઘવાયેલા વૃદ્ઘનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાનાં વડદલા સીમમાં રહેતા રમણભાઈ રણછોડભાઈ ગોહેલ ગત તા. ૧૬-૧૦-૨૦૧૮ના રોજ મોટર સાયકલ નં. જીજે-૦૭, સીએમ-૨૯૫૨ હંકારી જઈ રહ્યા હતા ત્યારે વડદલા સીમ પંકજભાઈ પટેલના કૂવા પાસે વળાંક ઉપર સામેથી પૂરઝડપે આવેલ ફોર વ્હીલર ગાડી નં. જીજે ૭ ડીએ-૬૬૭૫ મોટર સાયકલ સાથે અથડાતા બાઈક ગટરમાં ઉતરી પડ્યું હતું. જેથી બાઈક ચાલક રમણભાઈ ગોહેલને જમણા પગ, સાથળના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ બનાવ અંગે રમણભાઈ રણછોડભાઈ ગોહેલની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અકસ્માતનો બીજો બનાવ આજે સવારે નડિયાદ-પેટલાદ રોડ પીપલગ વળાંક ઉપર સર્જાયો હતો. જેમાં નડિયાદ તાલુકાના વલેટવામાં રહેતા નટુભાઈ શકરાભાઈ ચાવડા આજે સવારે લોડીંગ ટેમ્પી જીજે ૦૭ યુયુ ૩૪૬૨માં શાક માર્કેટમાંથી શાકભાજી ભરી વલેટવા જઈ રહ્યા હતા ત્યારે સવારે છ વાગ્યાના સુમારે પીપલગ ગામની સીમ્પલી ફેક્ટરી સામે વળાંક ઉપર પૂરપાટ ઝડપે આવેલ ફોર વ્હીલર ગાડી નં. જીજે ૧૬ એપી ૬૦૯૯ લોડીંગ ટેમ્પી સાથે અથડાઈ હતી. જેથી ટેમ્પી ચાલક નટુભાઈ શકરાભાઈ ચાવડા (ઉંમર ૪૫ વર્ષ)ને માથામાં તેમજ સાથળના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે ટેમ્પી ચાલક પાસે બેઠેલા પુનમભાઈ રામાભાઈ પરમાર (ઉંમર ૬૭ વર્ષ) રે- આખડોલ)ને બંને પગે તથા ડાબા હાથે ગંભીર ઈજા થતા તુરંત જ સારવાર માટે નડિયાદ સીવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પુનમભાઈ પરમારનું સારવાર દરમ્યાન મોત નીપજ્યુંહતું. આ બનાવ અંગે નટુભાઈ શકરાભાઈ ચાવડાની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(4:55 pm IST)