ગુજરાત
News of Friday, 19th October 2018

નડિયાદમાં લૂંટના ઇરાદે આવેલ બે સભ્યોને પોલીસે રંગે હાથે દબોચ્યા

નડિયાદ:ના હાર્દસમા નાના કુંભનાથ વિસ્તારમાંથી ગત તા. ૬-૧૦-૨૦૧૮ની ભરબપોરે બે અજાણ્યા ઈસમો મહિલાને માથામાં મારી સોનાના દાગીનાની લૂંટ કરી મોટર સાયકલ ઉપર ફરાર થઈ ગયા હતા. આણંદ ટાઉન પોલીસે લૂંટમાં ફરાર બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીનો નડિયાદ ટાઉન પોલીસે કબજો મેળવી લૂંટનો મુદ્દામાલ કબજે કરવા આરોપીઓને લઈ આંધ્રપ્રદેશ જવા રવાના થઈ છે.
નડિયાદ નાના કુંભનાથ રોડ ઉપર આવેલ બાવાજી સોસાયટીમાં રહેતા હેમાલીબેન કૃણાલભાઈ ભીંડે તથા તેમના કાકી દિવ્યાબેન પોતાની ભાણીનો જન્મદિવસ હોઈ એક્સીસ બેંક નડિયાદના લોકરમાં મૂકેલા સોનાના દાગીના લેવા એક્ટિવા લઈને ગયા હતા. તેઓ બેંકમાંથી સોનાના દાગીના લઈ ડીકીમાં મૂકી એક્ટિવા લઈ ઘરે આવ્યા હતા અને ઘર આગળ ઊભા રહી એક્ટિવાની ડીકીમાંથી સોનાના દાગીનાનું પર્સ કાઢતા હતા ત્યારે મોટર સાયકલ લઈ બે અજાણ્યા ઈસમો અચાનક ધસી આવ્યા હતા. આ ઈસમો પૈકી બાઈક પાછળ બેઠેલ ઈસમ મહિલા પાસેથી સોનાના દાગીનાનું પર્સ આંચકી ધક્કો મારી પાડી દઈ હેમાલીબેનને માથામાં ઈજા કરી મોટર સાયકલ ઉપર ફરાર થઈ ગયા હતા.
આ અંગે હેમાલીબેનની ફરિયાદ આધારે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ગત તા. ૧૨-૧૦-૨૦૧૮ના રોજ આણંદ ટાઉન પોલીસે ગુરૂદ્વારા સર્કલ પરથી પ્રસદ વેકટેસબુ પોલીસીટ્ટી (રે. મૂળ ટીપ્પા ભોગલ મંડળ, તા. કાવલી જિ. નેલ્લુર, આંધ્રપ્રદેશ, હાલ રે. જગાજી નગર સોસાયટી આજોડ વડોદરા) તથા ઈસરાઈસ ગંગાઈ પીટલા, (રે. ટીપ્પા કોલોની આંધ્રપ્રદેશ)ને શંકમદ હાલતમાં ઝડપી પાડ્યા હતા. આ બંને ઈસમોના રીમાન્ડ મેળવી પૂછપરછ કરતા આણંદમાં કારનો કાચ તોડી ચોરી કર્યા ઉપરાંત નડિયાદમાં મહિલાને માર મારી દાગીનાની લૂંટ કર્યાની કબૂલાત કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી નડિયાદ ટાઉન પોલીસે બંને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી કોર્ટમાં રજૂ કરી તા. ૨૩-૧૦-૨૦૧૮ સુધીના રીમાન્ડ મેળવેલ છે. નડિયાદ ટાઉન પોલીસે લૂંટનો મુદ્દામાલ કબજો કરવા તેમજ આરોપીના સાથીદાર અનિલ રામલુ ગુંડેટીની અટક કરવા નડિયાદ ટાઉન પોલીસની એક ટીમ આરોપીઓને લઈ તપાસના કામે આંધ્રપ્રદેશ રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.

(4:54 pm IST)