મોડીરાત્રે અમદાવાદ ચાંદખેડામાં ગરબામાં બીજીવખત લ્હાણી નહીં મળતાં હિસ્ટ્રીશીટરે છ રાઉન્ડ ફાયરિંગ કર્યું'
લ્હાણીનું લંચ બોક્સ બીજીવાર નહિ આપતા હિસ્ટ્રીસીટરે મિત્ર સાથે ઘસી આવી ફાયરિંગ
અમદાવાદમાં ગઈ કાલે રાતે નવરાત્રીના છેલ્લા દિવસે ચાંદખેડાના ત્રાગડ રોડ પર આવેલા હોમટાઉન-૪ ફ્લેટમાં હિસ્ટ્રીશીટરે હવામાં છ રાઉન્ડ ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઈ હતી. ગરબામાં લહાણી આપવા બાબતે સોસાયટીના કમિટી મેમ્બર સાથે ઝઘડો કર્યા બાદ હિસ્ટ્રીશીટરે મિત્ર સાથે આવી ફાયરિંગ કર્યું હતું. જોકે પોલીસ આવે તે પહેલાં સહદેવ અને તેના મિત્રો નાસી છૂટ્યા હતા.
મળતી માહિતી મુજબ ચાંદખેડાના ત્રાગડ રોડ પર આવેલા હોમટાઉન-૪ ફ્લેટમાં તુષારભાઈ નાયક તેમના પરિવાર સાથે રહે છે. આ જ ફ્લેટમાં સહદેવ તોમર નામનો યુવાન તેના પરિવાર સાથે રહે છે. ગઈ કાલે નવરાત્રીનો છેલ્લો દિવસ હોવાથી ફ્લેટમાં ગરબા ચાલી રહ્યા હતા. આશરે એકાદ વાગ્યે ગરબામાં હાજર લોકોને લહાણીરૂપે એક-એક લંચ બોક્સ આપવામાં આવી રહ્યા હતા.
સહદેવ તોમરના પુત્રને પણ એક લંચ બોક્સ આપવામાં આવ્યું હતું, પરંતુ સહદેવના પુત્રએ બીજું લંચ બોક્સ માગ્યું હતું. બીજું લંચ બોક્સ લેવા આવતાં ફ્લેટના કારોબારીના એક સભ્યે તેને લંચ બોક્સ આપવાની ના પાડી દીધી હતી. ના પાડતાં સહદેવ તોમર ત્યાં આવ્યો હતો અને ફ્લેટના સભ્યો સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતાં સોસાયટીના સભ્યોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું હતું. સમાધાન બાદ સહદેવ ત્યાંથી જતો રહ્યો હતો.