ગુજરાત
News of Friday, 19th October 2018

એક ભારત, શ્રેષ્ઠ ભારત : એકતાયાત્રાનો પ્રારંભ

બારડોલીથી વિજય રૂપાણી, કરમસદથી નીતિન પટેલ, ભાવનગરથી ભૂપેન્દ્રસિંહ અને અમદાવાદથી કૌશિક પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ

રાજકોટ તા. ૧૯ : ભારતની આઝાદીના ધડવૈયા અને અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરૂષ એવા  સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચી વિશ્વની સૌથીઙ્ગઉંચી ભવ્યાતિભવ્ય પ્રતિમાનું લોકાર્પણ આગામી દિવસોમાં થનાર છે. ત્યારે દેશના ગૌરવ અને ગુજરાતના પનોતાપુત્ર એવા સરદાર પટેલના જીવન ઝરમરથી ગુજરાતના પ્રજજનો અવગત થાય તથા તેમાના જીવન કવનમાંથી પ્રરણા મેળવે તેવા આશયથી આજે તા. ૧૯ આકટોબરથી સમગ્ર રાજયમાં એકતા રથ યાત્રાનો પ્રારંભ થયો છે.

આજે પ્રારંભ બાદ કાલે તા. ૨૦થી ૨૯ ઓકટોબરના પ્રથમ તબ્બકામાં ૫૦૦૦ ગામડાઓ અને ત્યારબાદ તા.૧૨ નવેમ્બરથી તા.૨૧ નવેમ્બર સુધીમાં બીજા તબ્બકામાં અન્ય ૫૦૦૦ ગામડાઓ મળી કુલ બે તબ્બકામાં સમગ્ર રાજયના મુખ્ય ૧૦ હજાર ગામડાઓને આ એકતા રથયાત્રા દ્વારા આવરી લેવામાં આવનાર છે.

આ એકતા રથ યાત્રામાં વિશેષરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સાથેના ડિઝાઇન  કરેલ કુલ ૫૦ રથો વિવિધ રૂટ પર ફરશે અને તા.૨૯ ઓકટોબર સુધીમાં ૫૦૦૦ ગામડાઓને આ યાત્રા અન્વયે આવરી લેવાશે. આ માટે રાજય સ્તરીય, જિલ્લા સ્તરીય અને ગ્રામ કક્ષાએ સમિતીઓની નિયૂકિત કરવામાં આવેલ છે.

આ એકતારથ સાથે એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત સરદાર પટેલના જીવન, કાર્યો અને સિધ્ધીઓને વણી લેતી તથા સ્ટેચ્યુ ઓફ યુનીટીની ફીલ્મો દર્શાવવામાં આવશે આ ઉપરાંત સરદાર પટેલની જીવન ઝરમરને દર્શાવતી પુસ્તિકા સાથે સ્ટેચ્યુ ઓફ યુનીટીની વિશેષતાઓ દર્શાવતી પુસ્તિકાઓ ઉપલબ્ધ કરાવાશે. આ રથ ગામેગામે ફેરવવામાં આવશે ત્યારે લોકો ભારતની એકતા અને અખંડીતતાના  શપથ ગ્રહણ કરશે. આ રથ સાથે ખાસ શપથ (પ્રતિજ્ઞા) હસ્તાક્ષર પુસ્તિકા પણ રહેશે જેમાં પ્રજજનો હસ્તાક્ષર સાથે ભારત એકતા અને અખંડિતતાના શપથને આલેખશે.

એકતા રથ સાથે લોકડાયરો,ભજનો અને ભવાઇ જેવા લોક પરંપરાને ઉજાગર કરતા લોકસાહિત્યના મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આમ એકતારથ દ્વારા જનજનને જોડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવશે.

સમગ્ર રાજય સાથે સૌરાષ્ટ્ર હદય સમા રાજકોટ જિલ્લામાં એકતારથના સ્વાગતની તૈયારીઓનું જિલ્લા વહિવટી તંત્ર અને અન્ય વિભાગો દ્વારા આયોજન કરાયું છે. રાજકોટ જિલ્લામાં આગામી તા. ૨૦મી ઓકટોબર  થી ૨૯મી ઓકટોબર દરમીયાનના પ્રથમ તબક્કામાં  રાજકોટ, ગોંડલ, પડઘરી, લોધિકા, કોટડાસાંગાણી તાલુકાઓના પ્રતિદિન ૧૦ ગામોમાં  એકતા રથયાત્રા ભ્રમણ કરશે.

પ્રથમ તબ્બકામાં રાજકોટના કુલ ૯૦ પૈકી ૬૦ ગામો, પડધરી તાલુકાના કુલ ૬૦ ગામો પૈકિ ૪૦ ગામો, લોધિકા તાલુકાના કુલ  ૩૭ ગામો પૈકિ ૩૦ ગામો, કોટડાસાંગાણીના ૪૨ ગામો પૈકિ ૩૦ ગામો અને ગોંડલ તાલુકાના ૭૯ ગામો પૈકી ૩૦ ગામોમાં એકતારથ યાત્રા ભ્રમણ કરશે. આ ઉપરાંત ગોંડલ નગરપાલિકા વિસ્તારમાં પણ આ એકતારથ યાત્રા વિવિધ સ્થળોએ ફેરવવામાં આવશે.

 

(9:46 am IST)