ગુજરાત
News of Friday, 19th October 2018

દશેરાએ વિવિધ બજારોમાં થયા મંદીના દર્શન

રિયલ એસ્ટેટમાં સૌથી વધુ મંદી નજરે પડી : ફાફડા - જલેબીનું વેચાણ પણ ઘટયું: ઇલેકટ્રીક અને ઇલેકટ્રોનિક માર્કેટમાં ઘરાકીનો અભાવ : દિવાળી કેવી રહેશે ? વેપારીઓમાં ચિંતા

અમદાવાદ તા. ૧૯ : ગુજરાત અને ગુજરાતીઓના અર્થતંત્રમાં તેજીનો ટંકાર સર્જતો આ તહેવાર આ વર્ષે બજારમાં મંદીના રાવણ સામે હાર્યો હોય તેવો માહોલ સર્જાયો છે. મુહુર્તમાં જ આ સ્થિતિ છે તો દિવાળી, નવ વર્ષે બજાર કેવુ રહેશે તેને લઈને નાના વેપારીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

રાજયમાં બેન્કોની સ્થિતિ કેવી કપરી થઈ છે તેનો પૂરાવો દશેરાના દિવસે બેન્કોએ  લોનના બાકી લ્હેણાં વસૂલવા મિલકત હરાજીમાં મુકવાની જે પ્રકારની જાહેરાત આપી છે તેના પરથી મળે છે.  સાવ સામાન્ય કહી શકાય તેવી રૂ.૬.૪૯ લાખ જેટલી લોન ભરપાઈ નહી કરનાર વેપારી પેઢીની મિલકતો પણ હરાજીમાં મુકવા માટે બેન્કોએ જાહેરખબર આપતા બજાર પર નજર રાખી રહેલા લોકોમાં આંચકો ફેલાયો છે. સામાન્ય રીતે દશેરાના દિવસે માર્કેટયાર્ડમાં ખરીફ પાકોની જણસી વેચવા ખેડૂતો ઉભરી પડતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ કૃષિ ઉત્પાદનોની નીચી કિંમતોને કારણે ખેડૂતોમાં કોઈ ઉત્સાહ નથી. આ બંને સ્થિતિઓ વચ્ચે લાંબા આરસા બાદ પહેલીવાર આ વર્ષે દશેરાના દિવસે રિયલ એસ્ટેટ, ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં બિલ્ડર્સ, ડેવલપર્સ નવા પ્રોજેકટના ખાતમુર્હત કે જાહેરાત કરવાથી દૂર રહ્યા છે. ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ખાસ કોઈ વાહન ખરીદી થઈ નથી !

દશેરોના પર્વ તહેવારમાં આજે શહેરમાં જલેબી-ફાફડાના વેચાણ થયા હતા પણ દર વર્ષ કરતા ૨૫ ટકા વેચાણ ઘટયુ હતુ. જેમાં ફાફડા અને જલેબીના ભાવોમાં વધારા મુખ્ય મુદ્દો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દર વર્ષે શહેરના પૂર્વ અને પશ્યિમ વિસ્તારમાં ઠેર-ઠેર માંડવા બંધાતા હતા તે પણ આ વખતે ઓછા જોવા મળ્યા હતા. જી.એસ.ટી.ના માર વચ્ચે જલેબી-ફાફડાના ભાવમાં ગત વર્ષ કરતા ભારે ઉછાળો હતો. ફાફડા રૂ.૪૩૦થી રૂ.૬૦૦ના ભાવે કિલો અને જલેબી રૂ.૫૦૦થી ૭૫૦ના કિલોના ભાવે વેચાણ થઈ હતી. આમ ગત વર્ષ કરતા ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે.જો કે, કેટલાક વિસ્તારમાં જલેબીમાં કેસર નાખ્યાનું બતાવવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વર્ષે અમદાવાદીઓ ૨૦ કરોડની આસપાસ ફાફડા અને જલેબી ઝાપટી ગયા છે.દર વર્ષે ફાફડા અને જલેબીનું અમદાવાદમાં જ ૨૫ થી ૨૭ કરોડનું વેચાણ થતુ હતુ. જે ઘટી જતા વેપારીઓનું બેશન અને ખાંડની ચાસણી પડી રહી હતી. જયારે કેટલાક વેપારીઓએ ફાફડા અને જલેબીના ડિસ્કાઉન્ટની સ્કીમો મુકીને માલ ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વખતે ફાફડા અને જલેબી ખાવાના શોખીનોએ માંડવાની જગ્યાએ જાણીતી દુકાનમાં લાઈનમાં ઊભા રહીને ખરીદ્યા હતા.

મોટાભાગની ઓટોમોબાઈ કંપનીઓ દશેરાના દિવસે વર્ષની શ્રેષ્ઠત્ત્।મ ઓફરો જાહેર કરતી હોય છે. ગુજરાતમાં ગતવર્ષની તુલનામાં આ વર્ષે ટુ-વ્હિલરના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. મંદીની સ્થિતિ વચ્ચે વિતેલા પાંચ- છ વર્ષથી નોમ- દશેરાના તહેવારોમાં ગુજરાતમાં ૧૦,૦૦૦-૧૩,૦૦૦ ટુ-વ્હિલરનું વેચાણ થાય છે. આ વર્ષે માંડ ૪૦૦૦- ૭,૮૦૦નું વેચાણ થયુ છે. કારનું સરેરાશ વેચાણ પાંચ-છ હજારની વચ્ચે રહે છે તેમાં આ વર્ષે દશેરાની ઓફરો વચ્ચે અપેક્ષાથી વધુ ઘટાડો થયો છે. તેમ કહેતા જાણિતા ડિલરે ઉમેર્યુ કે હવે ખરીદી માટે બારે મહિના થાય છે એટલે દશેરાએ જ વેપાર વધે તેવી માન્યતા રહી નથી.

(9:46 am IST)