ગુજરાત
News of Sunday, 19th September 2021

વિસ્ફોટક-માદક પદાર્થ શોધવા ટ્રેન્ડ બીગલ બ્રીડના ડોગ તૈનાત

વિસ્ફોટક અને માદક પદાર્થને સૂંધીને શોધી કાઢશે : જૂન ૨૦૨૦માં ખરીદાયેલા બીગલ બ્રીડના ડોગ્સને ટ્રેનિંગ બાદ હવે ૩ જુદા-જુદા જિલ્લાઓમાં તૈનાત કરી દેવાયા

અમદાવાદ,તા.૧૯ : ડ્રગ્સ પેડલરોએ ભારતમાં ગેરકાયદે ડ્રગ્સનો જથ્થો ઘૂસાડવા અમદાવાદ એરપોર્ટ અને કચ્છનો રૂટ પસંદ કર્યો હોવાથી ગુજરાત પોલીસ સતર્ક તઈ છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે જૂન ૨૦૨૦માં ખરીદાયેલા બીગલ બ્રીડના ડોગ્સને ટ્રેનિંગ બાદ હવે ૩ જુદા-જુદા જિલ્લાઓમાં માદક પદાર્થ અને વિસ્ફોટકો શોધી કાઢવા માટે તૈનાત કરી દેવાયા છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ડીજીપી વિકાસ સહાયના જણાવ્યા અનુસાર આ કૂતરાઓનો માદક પદાર્થ અને વિસ્ફોક સુંધી કાઢવા માટેની ટ્રેનિંગ આપવા માટે ૨૨ લાખના ખર્ચે કિટ પણ ખરીદવામાં આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ બ્રીજના ડોગ્સને ટ્રેન કરવા માટે બે નિષ્ણાત ટ્રેનર પણ રાખવામાં આવ્યા હતા. હવે સુરત, રાજકોટ અને અમદાવાદમાં એક-એક બીગલ બ્રીડના ડોગ વિસ્ફોટક અને માદક પદાર્થ સુંઘી કાઢવા માટે તૈનાત કરાયા છે. જ્યારે એકને કચ્છ પશ્ચિમ વિસ્તારમાં તૈનાત કરાયો છે. અમદાવાદ, સુરત અને રાજકોટ હમેશા આતંકવાદીના ટાર્ગેટ પર હોવાથી ત્યાં ખાસ કરીને વિસ્ફોટક પદાર્થ શોધી કાઢવા માટે બીગલને તૈનાત કરાયા છે.

        જ્યારે વિદેશમાંથી લવાતા ગેરકાયદે ડ્રગ્સને ભારતમાં ઘૂસાડવા માટે કચ્છનો રૂટ પસંદ કર્યો હોવાનું તાજેતરમાં સામે આવતા ત્યાં એક ટ્રેન કરાયેલી બીગલ બ્રીડના ડોગને તૈનાત કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સીઆઈડી ક્રાઈમ ડ્રગ્સ માફિયા અને ડ્રગ પેડલરોને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ૨૦૦ કરતા વધારે તત્વોને પકડવામાં આવ્યા હતા. આ અંગે એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથેની સરહદે આવેલો છે અને ત્યાંથી મોટા પ્રમાણમાં માદક પદાર્થ ઘૂસાડવામાં આવતા હોવાનો ષડયંત્રનો પર્દાફાશ થયો હોવાથી ગુજરાત પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓ વધુ સર્તક બની ગઈ છે. ગુજરાત પોલીસ સાથે સંકળાયેલા એક ડોગ ટ્રેનરના જણાવ્યા મુજબ બીગલ બ્રીડ સૌ પ્રથમ ૧૬મી સદીમાં શોધાઈ હી. બીગલ એ સેન્ટ હાઉન્ડ છે અને તેમની સૂંઘવાની શક્તિ અદભૂત છે. તેઓ પ્રમાણમાં નાના અને સ્ટર્બન હોય છે. આ બ્રીડના કૂતરાનું નાક ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેમને કોઈપણ જાતની સેંટનો પીછો કરવાની મજા આવે છે.

(7:49 pm IST)