ગુજરાત
News of Wednesday, 19th September 2018

નડિયાદમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 31ની ધરપકડ કરી

નડિયા: રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં છેલ્લાં ઘણાં સમયથી ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે દરોડો પાડી જુગારધામને પકડી પાડ્યો હતો. રેલ્વે પોલીસની રહેમનજર હેઠળ રમાતા આ જુગારધામને વિજીલન્સની ટીમે પકડી પાડતાં સ્થાનિક રેલ્વે પોલીસની રહેમનજર બહાર આવી હતી. જેના પગલે રેલ્વેના પીએસઆઈ બી. બી. વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જ્યારે બે એએસઆઈ, ત્રણ હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરી દેવામાં આવી છે. 
આ અંગે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે છેલ્લાં ઘણાં સમયથી નડિયાદ રેલ્વેસ્ટેશને પાર્કિંગની જગ્યા પર રમાતા જુગારધામ પર ગત તારીખ ૧૪મીના રોજ શુક્રવારે સાંજે દરોડો પાડી ૩૧ જુગારીઓને પકડી પાડી રૂ.૧,૬૯,૧૨૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે નડિયાદ રેલ્વે પોલીસની રહેમનજર ઉઘાડી ના પડે તે માટે તે જ દિવસે રેલ્વે પોલીસના પીએસઆઈ બી. બી. વણજારાએ આરએમએસ ઓફિસ સામે જુના ક્વોર્ટર્સમાં રમાતા જુગારધામ પર દરોડો પાડી ૧૦ જુગારીઓને રૂ.૨૬,૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. આમ ગાંધીનગર વિજીલન્સ બાદ રેલ્વે પોલીસે આબરૂ બચાવવા આ દરોડો પાડ્યો હોવાનું ઉચ્ચ અધિકારીઓના ધ્યાનમાં આવી ગયું હતું. 
રેલ્વે પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા નડિયાદ રેલ્વેના પીએસઆઈ બી. બી. વણજારાને સસ્પેન્ડ કરી તેમને પાટણ હેડ ક્વાર્ટર્સ પર મુકી દીધાં છે. તેમજ નડિયાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં એએસઆઈ ગોપાલસિંહ અને કનુભાઈ, હેડકોન્સ્ટેબલ અરવિંદભાઈ, અજીતસિંહ અને ઉસ્માનગની, તેમજ પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ અને સરફરાજભાઈ ની બદલી કરી દેવામાં આવી છે.

(4:51 pm IST)