ગુજરાત
News of Wednesday, 19th September 2018

પ્રવિણભાઈ કોટકનું રાજીનામુ નામંજૂરઃ સમાજના એકતાના દર્શન

અમદાવાદમાં લોહાણા મહાપરિષદની મધ્યસ્થ મહાસમિતિની બેઠક મળી : સંસ્થાના આવક - જાવકના હિસાબો રજૂ, વિવિધ ઠરાવો

રાજકોટ, તા. ૧૯ : સમગ્ર વિશ્વના રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની સર્વોચ્ચ સભા એટલે કે મધ્યસ્થ મહાસમિતિની બેઠક ગોલ્ડન ગ્લોરી હૉલ, કર્ણાવતી ક્લબ, અમદાવાદ મુકામે ઐતિહાસિક યાદગીરી સાથે અમદાવાદના પાંચ મહાજનશ્રીઓ શ્રી અમદાવાદ (હા.ઘો.ક.) લોહાણા મહાજન (પ્રમુખ, શ્રી અશોકભાઈ ગઢિયા),  શ્રી ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજન (પ્રમુખ, શ્રી વિનોદભાઈ ઠક્કર), શ્રી થરપારકર લોહાણા મહાજન અમદાવાદ (પ્રમુખ, શ્રી જશવંતભાઈ તન્ના), શ્રી કચ્છી લોહાણા સમાજ અમદાવાદ (પ્રમુખ શ્રી કીર્તિભાઈ બારૂ), શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટ અમદાવાદ (પ્રમુખ, શ્રી હિમાંશુભાઈ ઠક્કર)ના સંયુક્ત યજમાન પદે અત્યંત સફળતાપૂર્વક યોજાઈ ગઈ. જેમાં શ્રી પ્રવિણભાઈ કોટકનું રાજીનામું સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યુ હતું.

પૂ.ભાણસાહેબ સમાધિસ્થાન કમીજલા મહંત શ્રી જાનકીદાસજી બાપુ તેમજ શ્રી પ્રવિણભાઈ કોટક (મો.૯૮૭૯૨ ૦૬૬૬૧), શ્રી યોગેશભાઈ લાખાણી, શ્રી પરેશભાઈ ભૂપતાણી, શ્રી નવીનચંદ્ર રવાણી, શ્રી પ્રતાપભાઈ દત્તાણી તથા અન્ય શ્રેષ્ઠીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી. રઘુવંશી ધ્વજવંદન ગીતથી વાતાવરણને દિવ્યતા બક્ષી મીટિંગની વિધિવત્ શરૂઆત થઈ. પૂ.જાનકીદાસજી બાપુનું શાલ અને ખેસ દ્વારા શ્રી પ્રવિણભાઈ કોટક તેમજ શ્રી યોગેશભાઈ લાખાણી દ્વારા સન્માન અને વંદના અર્પણ કરાયેલ. માતૃસંસ્થાના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ઉમંગભાઈ ઠક્કરે સ્વાગત પ્રવચન કરતા સૌ પ્રથમ શ્રી પ્રવિણભાઈ કોટકના રાજીનામાના પગલે આ સભાના સભા પ્રમુખ તરીકે શ્રી યોગેશભાઈ લાખાણીના નામનું સૂચન કરી સભાની રજા માગતા સભાએ રાજીપા સાથે મંજૂરી આપી. આ સભાના પ્રમુખ તરીકે શ્રી યોગેશભાઈ લાખાણીને જાહેર કર્યા હતા. શ્રી ઉમંગભાઈ ઠક્કરે મહાજનોને આવકારેલ.

એજન્ડા અનુસાર ઉત્તર પૂર્વ વિભાગના યજમાન પદે કોલકત્તા મુકામે મળેલ મધ્યસ્થ મહાસમિતિની બેઠકનું વાંચન મંત્રી શ્રી હિમાંશુભાઈ ઠક્કરે કરી સભાની બહાલી મળતાં મિનિટ્સ પર સભા પ્રમુખ શ્રી યોગેશભાઈ લાખાણીના હસ્તાક્ષર મેળવ્યા હતા.

માતૃસંસ્થાના ઑડિટર શ્રી વસંતભાઈ અનારકટે ખજાનચીશ્રીઓ હિંમતભાઈ કોટક તથા શ્રી નીતીનભાઈ પાંધીની સાથે રહી છેલ્લા ત્રણ વર્ષના અલગ અલગ પ્રકલ્પો પર સત્કર્મોમાં ઉપયોગ થયેલ નાણાંની આવક-જાવકનો હિસાબ વિગતે રજૂ કરી સભાનું પ્રોત્સાહન મેળવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દાતાઓના સહયોગથી શ્રી યોગેશભાઈ લાખાણીએ લાખો રૂપિયા સેવામાં ઉપયોગ કર્યા બાદ પણ ૩,૫૩,૦૦,૧૬૩ રૂા.ની ફિક્સ રકમ શ્રી પ્રવિણભાઈ કોટકને વારસામાં આપેલ જેને ગત્ ૩ વર્ષમાં શ્રી પ્રવિણભાઈ કોટકે કુલ ૮,૮૬,૨૮,૮૬૧ની રકમ વિવિધ સેવાકીય કાર્યોમાં ખર્ચ કર્યા બાદ માતૃસંસ્થાની કુલ બચત ૭,૧૧,૦૦,૦૪૫ સુધી પહોંચાડી છે. સેવા સહયોગમાં ગત ત્રણ વર્ષમાં શ્રી ખીમજી ભગવાનદાસ ચેરીટી ટ્રસ્ટ - મુંબઈ, શ્રી કે. સી. ઠક્કર,  શ્રી પ્રવિણભાઈ કોટક, શ્રી સતીષભાઈ વિઠલાણી, શ્રી ધર્મેશભાઈ હરિયાણી, શ્રી મહેન્દ્રભાઈ ઘેલાણી, શ્રી પરિમલભાઈ નથવાણી, શ્રી વિપુલભાઈ પૂજારા દ્વારા માતબર રકમના આર્થિક સહયોગ તેમજ રૂા. ૫ લાખ ના અનુદાનથી અભિનંદન પાઠવ્યા હતા. માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદનો તમામ નાણાંકીય વહીવટ સંપૂર્ણ પારદર્શક રીતે નિયમિત રીતે યોજાતી કારોબારી સમિતિ, મધ્યસ્થ મહાસમિતિ તેમજ ટ્રસ્ટ બોર્ડની મીટિંગોમાં રજૂ કરી સમર્થન મેળવવામાં આવે છે. આમ છતાં કોઈ પણ દાતા કે શ્રેષ્ઠીને કોઈ પણ શંકા હોય તો ગમે ત્યારે માતૃસંસ્થાના કાર્યાલય પર આવી એફ.ડી. કે કાગળો જોઈ શકે છે તેમ મંત્રી શ્રી હિમાંશુભાઈ ઠક્કરે જણાવ્યું હતું અને સાથે ઉમેર્યું હતું કે માતૃસંસ્થાના કાર્યાલયના સંચાલનમાં કુલ ૪ કર્મચારીઓ છે જેમની પગારની ટોટલ રકમ રૂા. ૫૦,૦૦૦/- થી પણ ઓછી થાય છે અને આ પેટે દર માસે રૂ. ૨૫,૦૦૦/- નો આર્થિક સહયોગ શ્રી સતીષભાઈ વિઠલાણી તરફથી પ્રાપ્ત થાય છે. આ સિવાય ઓફિસના વીજળી બીલ સહિતના અન્ય તમામ જરૂરી ખર્ચ શ્રી પ્રવિણભાઈ કોટક તથા ઇસ્કોન પરિવાર તરફથી સૌજન્ય સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે.

એજન્ડા અનુસાર શ્રી પ્રવિણભાઈ કોટકના આવેલ રાજીનામા અંગે સભા પ્રમુખ શ્રી  યોગેશભાઈ લાખાણીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવેલ કે  તન, મન અને ધન એમ સર્વ પ્રકારે સહયોગ આપ્યા બાદ જો માનસિક વ્યથાનો ભોગ બનવાનું આવે તો તેની પરાકાષ્ઠાનું સ્વરૂપ વ્યક્તિગત રીતે આત્મહત્યા હોય અને સંસ્થાકીય હોય તો એ રાજીનામાના સ્વરૂપે પ્રસ્તુત થાય જે માનવસહજ છે. રક્ષણ અને સંરક્ષણ એ નિર્બળ અને દુર્બળ નહીં પરંતુ સશક્ત વ્યક્તિ અને સંસ્થાનું જ કરવાનું હોય તેમ જણાવતા શ્રી યોગેશભાઈ લાખાણીએ ઉદાહરણો દ્વારા સૌને માતૃસંસ્થાના પ્રમુખની ગરિમાનું રક્ષણ એ આપણા સૌની સામૂહિક જવાબદારી ગણાવી પોતાની પ્રગલ્લભ વાણીથી સૌને અભિભૂત કર્યા હતા. તેઓએ માતૃસંસ્થાના છેલ્લા ત્રણ વર્ષના તમામ ઑડિટેડ હિસાબો પણ આગળના દિવસે મળેલ ટ્રસ્ટ મંડળની બેઠકમાં નિર્ણય લેવાયા મુજબ માતૃસંસ્થાની વેબસાઈટ પર અપલોડ કરવાની જાહેરાત કરી હતી. સૌ પ્રથમ સમાજશ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ ઘેલાણીએ શ્રી પ્રવિણભાઈ કોટકના રાજીનામાનો અસ્વીકાર ત્યારબાદ શ્રી પ્રવિણભાઈ કોટકનું રાજીનામું પાછું ખેંચવા અંગેનો અને ત્યારબાદ કોઈ પણ પ્રકારના સમાજની એકતા અને સંગઠનને ખંડિત કરતા દૂષણો સામે પગલાં લેવા માટેનો ઠરાવ આ સભામાં રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

સમાજશ્રેષ્ઠી શ્રી નવીનચંદ્ર રવાણીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શ્રી પ્રવિણભાઈ કોટકના રાજીનામાને સમાજ માટે એક મોટો આઘાત જણાવી પોતાનું રાજીનામું પાછું ખેંચવા ધારદાર અપીલ કરી હતી. ત્યારબાદ શ્રી પ્રતાપભાઈ દત્તાણીએ શ્રી પ્રવિણભાઈ કોટકના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી માતૃસંસ્થાને મજબૂત બનાવવા શ્રી પ્રવિણભાઈ કોટકને અપીલ કરી હતી. સાથે સાથે શ્રી અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ શ્રી ધનવાનભાઈ કોટક માટે મનનો આક્રોશ જાહેરમાં વ્યક્ત કરતા વિધવા સહાય માટે પોતાના પરિવાર / પોતાના વિસ્તારના શુભેચ્છકો દ્વારા માતબર રકમના ફંડ જમા કરાવાયેલ હોવા છતાં થઈ રહેલ મનઘડંત આક્ષેપો બદલ દાતાશ્રીઓની ભાવનાને ઠેસ પહોંચતી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ શ્રી પરેશભાઈ ભૂપતાણી, શ્રી સતીષભાઈ વિઠલાણી, શ્રી પોપટલાલ અખાણી, શ્રી પ્રવિણબાપા, શ્રી ઠાકોરભાઈ ઠક્કર, સુ શ્રી ડૉ.નિમાબેન આચાર્ય, શ્રી ગીરીશભાઈ કોટેચા, યજમાન મહાજનો વતી શ્રી વિનોદભાઈ ઠક્કર, શ્રી પ્રવિણભાઈ કોટકના પરિવાર વતી શ્રી જયેશભાઈ કોટક, શ્રી જીતુભાઈ લાલ, આફ્રિકાથી આવેલા શ્રી નવીનભાઈ કાનાબાર, શ્રી ધર્મેશભાઈ હરિયાણી, શ્રી હિમ્મતભાઈ સોમૈયા, શ્રી દિગ્વિજયભાઈ કાપડીયા, શ્રી શંકરભાઈ કતીરા, શ્રી ચંદુભાઈ મારફતીયા, શ્રી બીપીનભાઈ ગણાત્રા વિગેરે સભ્યોએ એક સૂરમાં વ્યક્ત કરી હતી. શ્રી ગીરીશભાઈ કોટેચા શ્રી સતીષભાઈ વિઠલાણીએ શ્રી પ્રવિણભાઈ કોટક અને ટીમ દ્વારા જે અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે તેને સમાજની ઉપલબ્ધિ ગણાવી હતી.

શ્રી ભાવેશભાઈ લાખાણીએ સમાજની ગરિમાને લાંછન લગાડતા તત્ત્વોને ખૂલ્લા પાડી સામાજિક બહિષ્કાર  કરવા અપીલ કરી હતી. અખિલ ગુજરાતના લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ અને માતૃસંસ્થાના ગુજરાત વિભાગના ઉપપ્રમુખ શ્રી ઠાકોરભાઈ ઠક્કરે પણ અખિલ ગુજરાત લોહાણા સમાજના કાર્યશૈલી અંગે ચિંતા વ્યક્ત કરી દુઃખની લાગણીઓ વ્યક્ત કરી હતી. તાલાલાના શ્રી યોગેશભાઈ ઉનડકટે માતૃસંસ્થાની ગરિમાને ઝાંખપ લગાવવાનો પ્રયત્નમાં ક્યાંક ને ક્યાંક રાજકોટ લોહાણા મહાજનની સ્થાનિક ચૂંટણીના કારણો અને ગેરમાર્ગે દોરાતા જવાબદાર ઠેરવ્યા હતા. શ્રી યોગેશભાઈ ઉનડકટે અખિલ ગુજરાત લોહાણા સમાજની સ્થિતિ અંગે વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વ્યક્તિગત રીતે મન ફાવે તેમ નિર્ણયો લઈ હોદ્દેદારોનો વિશ્વાસ સંપાદન કરવામાં નેતૃત્વની નિષ્ફળતા જણાવી બે વર્ષ સુધીમાં કારોબારીનું પણ આયોજન ન થઈ શક્યું અને પોતે વિધવા સહાય યોજના માટે ઘર, મકાન વેચી કે પોતાના દ્વારા પણ કરોડો રૂપિયાનું દાન આપવાની ગુલબાંગો પોકારતા પ્રમુખ શ્રી ધનવાનભાઈ કોટક બે વર્ષમાં રૂા. ૫૦૦ જેવી નાની રકમના ચેક પણ વિધવા બહેનોને સમયસર પહોંચાડી શક્યા નથી અને છેલ્લે તો પાંચ માસ પછી ૫૦૦ રૂા.ના ચેક મોકલાવી શક્યા છે. તેનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. શ્રી લોહાણા મહાપરિષદ તરફથી યોજના શરૂ કરતાં પહેલાં મળેલા માર્ગદર્શનને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી અખિલ ગુજરાત લોહાણા સમાજને વિધવા સહાયના નામે સંસ્થાની સભ્યપદ કોઈ પણ પ્રકારની જનરલ મીટિંગમાં મંજૂરી કે સભાની બહાલી મેળવ્યા વગર રૂ. ૫૧૧૨/-  અને ત્યારબાદ જનસમર્થન ન મળતાં અન્ય ઓછી રકમોની વ્યક્તિગત જાહેરાત કરી મેમ્બરશિપ વેચાતી કરી ગુજરાતભરની સંસ્થા અને મહાજનોનો વિશ્વાસ તોડી જૂજ વ્યક્તિઓની સંસ્થા બનાવી દીધી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

પૂ.જાનકીદાસજી  બાપુએ પણ શ્રી પ્રવિણભાઈ કોટકને પ્રસાદીનો હાર પહેરાવી આશીર્વચન આપતા રામાયણના પ્રસંગનો ઉલ્લેખ કરી રામજી અને ભરતનો ગાદી અને વનવાસનો પ્રસંગ સુપેરે વર્ણવી શ્રી પ્રવિણભાઈ કોટક, શ્રી હિમાંશુભાઈ ઠક્કર અને ટીમને પૂ.ભાણસાહેબના આશીર્વાદ આપ્યા હતા.

યોગેશભાઈ લાખાણીએ વિનંતી કરતા આગળનો એજન્ડા શ્રી પ્રવિણભાઈ કોટકના પ્રમુખસ્થાને જ  લેવાય તેવી જાહેરાત કરતા શ્રી પ્રવિણભાઈ કોટકે જણાવ્યું હતું કે, દર બે વર્ષે યોજાતી મધ્યસ્થ મહાસમિતિની બેઠક પ્રમાણે મારા પ્રમુખકાળની આ અંતિમ મધ્યસ્થ મહાસમિતિની બેઠક હોવાથી બંધારણના નિર્દેશ અનુસાર આગામી પ્રમુખની વરણી માટે વરણી સમિતિની રચના મધ્યસ્થ મહાસમિતિની બેઠકમાં કરવાની હોય છે તો તે માટે છેલ્લા ૧૫ દિવસમાં દરેક વિભાગના ઉપપ્રમુખો સાથે અને સમાજશ્રેષ્ઠીઓ સાથે વિચારવિમર્શ કરી તેમનો સૂઝાવ લઈ બંધારણમાં સુનિશ્ચિત કરાયેલ હોદ્દાની રૂએ વરણી સમિતિમાં સ્થાન પામતા સભ્યો સિવાયના ૧૨ સમાજશ્રેષ્ઠીઓના નામોની જાહેરાત પ્રમુખ શ્રી પ્રવિણભાઈ કોટકની વિનંતીથી શ્રી મહેન્દ્રભાઈ ઘેલાણીએ કરી હતી અને સભાની બહાલી મેળવી હતી.

મંત્રી શ્રી પિયુષભાઈ ગંઠાએ આભારદર્શન કર્યું હતું. શ્રી હર્ષદરાય ઠક્કર, શ્રી ભરતભાઈ માવાણી તથા અતિથિઓની સરભરામાં શ્રી અજયભાઈ ઠક્કર, શ્રી મનુભાઈ ગોકલાણી, શ્રી ભવાનભાઈ કોટક  સહયોગી બનનાર સભ્યો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. (૩૭.૫)પસાર : હવેની કારોબારી સમિતિ ડીસામાં યોજાશે

(4:07 pm IST)