ગુજરાત
News of Wednesday, 19th September 2018

દારૂની પરમીટ મોંઘીઃ સરકારે 'નશાબંધી' કડક કરી

આરોગ્યના કારણથી દારૂ પીવાની છુટ મેળવવાનું અઘરૂ બન્યુ : પરમીટ પ્રોસેસ ફી અને આરોગ્ય તપાસ ફી વધારીને રૂ. ૨૦૦૦ કરાઇઃ ૬ મેડીકલ બોર્ડની રચના

ગાંધીનગર તા. ૧૯ :.. ગુજરાત તેના સ્થાપના કાળથી નશાબંધી નીતિને વરી રાજયમાં તેનો અમલ કરી રહ્યું છે. ગત વર્ષે વિધાનસભા સત્રમાં નશાબંધી ધારામાં સુધારો કરી, કાયદાને વધુ કડક બનાવેલ છે અને તે અંતર્ગત હેલ્થ પરમીટના સંદર્ભમાં પ્રવર્તમાન નીતિને સખ્ત બનાવવા માટે રાજય સરકારે ફી વધારાનો નીતિ વિષયક નિર્ણય કરેલ છે. તેમ ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભામાં જાહેર કર્યુ હતું.

તેમણે જણાવેલ કે મુંબઇ વિદેશી દારૂ નિયમો, ૧૯પ૩ ના નિયમ-૬૪ હેઠળ હાલ હેલ્થ પરમીટની ફોર્મ ફી રૂ. પ૦ અને આરોગ્ય તપાસણી ફી રૂ. પ૦૦ ની જોગવાઇ છે, આ નિયમમાં સુધારો કરીને હેલ્થ પરમીટની ફોર્મ ફી રદ કરેલ છે અને હેલ્થ પરમીટ પ્રોસેસ ફી રૂ. ર,૦૦૦ અને આરોગ્ય તપાસણી ફી રૂ. ર,૦૦૦ રાખવાની જોગવાઇ કરેલ છે.

મુંબઇ વિદેશી દારૂ નિયમો ૧૯પ૩ ના નિયમ-૬પ હેઠળ એરીયા મેડીકલ બોર્ડની રચના કરવાની જોગવાઇ છે. હાલ રાજયમાં કુલ ર૬ એરીયા મેડીકલ બોર્ડ કાર્યરત છે. તેને રદ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત ખાતે એમ કુલ ૬ એરીયા મેડીકલ બોર્ડની રચના કરવાનો નિર્ણય થયેલ છે. એરીયા મેડીકલ બોર્ડમાં (૧) રીજીયોનલ ડેપ્યુટી ડાયરેકટર (ર) મેડીકલ સુપ્રીન્ટેન્ડન્ટ અને (૩) મેડીકલ કોલેજના પુર્ણકાલિન એચ. ઓ. ડી. ઓફ મેડીસીનનો સમાવેશ કરવામાં આવશે.

મુંબઇ વિદેશી દારૂ નિયમો, ૧૯પ૩ ના નિયમ-૬૬ હેઠળ રાજય મેડીકલ બોર્ડની રચના કરવાની જોગાઇ છે. એરીયા મેડીકલ બોર્ડના નિર્ણય સામે અપીલ માટે રાજય મેડીકલ બોર્ડમાં (૧) અધિક નિયામક (તબીબી સેવાઓ), આરોગ્ય અને તબીબી શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર (ર) ડીન, મેડીકલ કોલેજ, ગાંધીનગર (૩) પ્રોફેસર અને એચ.ઓ.ડી.ઓફ મેડીસીન બી.જે.મેડીકલ કોઇેજ, અમદાવાદ અને (૪) નાયબ નિયામક (વહીવટ), નિયામક, નશાબંધી અને આબકારીની કચેરી ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવશે. આ બોર્ડ સમક્ષ અપીલ ફી રૂ.પ,૦૦૦/- રાખવાની જોગવાઇ કરવામાં આવશે તેમ પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

(3:29 pm IST)