ગુજરાત
News of Wednesday, 19th September 2018

બે વર્ષમાં ૧,૫૩,૮૮૩ ખેડૂતોએ વીજ જોડાણ માંગ્યા, સરકારે આપ્યા માત્ર ૧૮,૯૮૯

'નિર્ણાયક' કહેવાતી સરકારના રાજમાં ખેતીના વીજ જોડાણ માટેની ૧,૨૭,૬૧૩ અરજીઓ પડતરઃ ધરતીપુત્રો પરેશાન

રાજકોટ તા.૧૯: ગુજરાત સરકાર ખેડૂતોને પુરતી વીજળી આપી રહયાના દાવાને કોંગ્રેસે સરકારના જ જવાબી સતાવાર આંકડાઓ દ્વારા પડકાર્યો છે. કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ સંપાદિત કરેલ પુસ્તક, 'વિધાનસભાના ઉંબરેથી' માં કૃષિ વિષયક વીજ જોડાણ સબંધી માહિતી આપવામાં આવી છે. આ આંકડા કોંગી ધારાસભ્યોએ પુછેલા પ્રશ્નોના જવાબમાં સરકારે આપેલા છે.

પુસ્તકમાં જણાવાયુ છે કે, રાજય સરકાર એવો દાવો કરે છે કે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. રાજયમાં ઓછી માંગના સમયે બહારના રાજયોમાં વીજ વેચાણ કરે છે અને વીજ મથકોનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી રાજયમાંની કૃષિ સહિતની તમામ પ્રકારની વીજ માંગને પુરી કર્યા બાદ વીજળી વેચવામાં આવે છે. પરંતુ જો રાજય સરકારનો દાવો સાચો હોય અને વીજ કનેકશનોની માંગ સંતોષી હોય તો કોઇ વીજ કનેકશનોની માંગણી પડતર રહેવી ન જોઇએ. છેલ્લા બે વર્ષમાં કૃષિવિષયક વીજકનેકશન મેળવવા ૧,૫૩,૮૮૩ અરજીઓ પૈકી માત્ર ૧૮,૯૮૯ને જ વીજ કનેકશન આપ્યા, ૧,૨૭,૬૧૩ અરજીઓ પડતર છે, જયારે બે વર્ષ પહેલાંની લાખો અરજીઓ પડતર છે, ત્યારે અન્ય રાજયોમાં વીજળી વેચાવને બદલે ખેડૂતોને ખેતી માટે વીજ કનેકશન તાત્કાલિક આપે તેવી માંગણી છે.સોૈરાષ્ટ્રમાં જિલ્લાવાર જોઇએ તો જામનગરમાં ૮૨૧૦, દ્વારકામાં ૭૬૮૬, મોરબીમાં ૩૫૦૩, જુનાગઢમાં ૭૦૯૬, પોરબંદરમાં ૧૯૮૫, ગિર સોમનાથમાં ૪૧૭૮, રાજકોટમાં ૧૨૦૬૨, સુરેન્દ્રનગરમાં ૫૦૨૦, અમરેલીમાં ૯૦૨૦ અને બોટાદમાં ૩૪૯૦  અરજીઓ ખેતીના વીજ જોડાણ માટે પડતર છે.

(1:47 pm IST)