ગુજરાત
News of Wednesday, 19th September 2018

પરીક્ષાના પેપર લીક કરવામાં સંડોવણી હશે તો પાંચ વર્ષની જેલ થશે

કડક પગલા ભરવાના હેતુથી કાયદામાં થશે સુધારો

અમદાવાદ તા. ૧૯ : પરીક્ષાના પેપર લીક કરનારાઓને આકરામાં આકરી સજા થાય તે માટે ગુજરાત સરકારે ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શિક્ષણ ખરડો ૨૦૧૮માં સુધારા કરવાનું નક્કી કર્યું છે. આ સુધારાનો હેતુ પરીક્ષાના પેપર લીક થતા અટકાવવાની સાથે સાથે શાળાઓ બોર્ડની માન્‍યતા વિના કોઈપણ પ્રક્રિયા ન કરે તે પણ છે.

વિધાનસભામાં બુધવારે રજૂ થયેલા આ ખરડાના હેતુ અંગે સ્‍પષ્ટતા કરતા રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્‍યું કે જે શાળાઓ બોર્ડ પાસેથી સત્તાવાર માન્‍યતા મેળવ્‍યા વિના કામ કરે છે અને કોન્‍ફિડેન્‍શિયલ પેપર લીક કરનારાઓને રક્ષણ આપે છે તેની સામે કડક પગલા ભરવાના હેતુથી બિલમાં આ સુધારો કરવામાં આવ્‍યો છે.

સરકારે કલમ ૪૩માં સુધારો કરવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે. આ કલમ પરીક્ષાને લગતા દસ્‍તાવેજોની ગુપ્તતા જાળવવા અંગે છે. હાલની જોગવાઈ અનુસાર પેપર કે પરીક્ષાને લગતુ મટિરિયલ લીક કરવા માટે બે વર્ષની જેલની સજા અને રૂ. ૨૦૦ દંડ થાય છે. સરકારે આ જોગવાઈમાં ફેરફાર કરીને ગુનેગારને પાંચ વર્ષ અને ઓછામાં ઓછી ત્રણ વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ કરી છે.  શિક્ષણ વિભાગના ઓફિસરે જણાવ્‍યું કે એ બાબત ધ્‍યાનમાં આવી છે કે ઘણી શાળાઓ વિદ્યાર્થીઓના ભવિષ્‍ય સાથે રમત કરે છે અને પછી બોર્ડને ફરી પરીક્ષા લેવાની ફરજ પડે છે. આવી શાળાઓનો કંટ્રોલ કરવા સરકારે સજા વધારીને પાંચ વર્ષ અને ઓછામાં ઓછી ત્રણ વર્ષ કરવાનો નિર્ણય કર્યો છે.

 

(11:39 am IST)