ગુજરાત
News of Wednesday, 19th September 2018

શિક્ષકોને એટલી ઉતાવળ હતી કે વિદ્યાર્થીનીને સ્‍કૂલમાં જ ભૂલી ગયા અને મારી દીધું તાળુ!

વલસાડ તા. ૧૯ : ઉમરગામ તાલુકાના નારગોલ ગામની જાણીતી જલારામ હાઈસ્‍કૂલમાં ગણેશ વિર્સજનને લઈ સોમવારે બપોરે ત્રણ વાગે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. શાળાના શિક્ષકો પટાવાળા શાળાની બિલ્‍ડિંગના ગેટને તાળું મારીને ઘરે નીકળી ગયા હતા. આ સમયે સાતમાં ધોરણી એક વિદ્યાર્થીની અંદર જ રહી ગઈ હતી. જયારે તેના વાલીઓ શોધતા આવ્‍યા ત્‍યારે સમગ્ર ઘટના સામે આવી.

મળી રહેલી વિગતો મુજબ ધોરણે સાતમાં ભણાતી વિદ્યાર્થિની દિશા રાઉત કોઈક કારણસર શાળામાં જ રહી ગઈ હોય ઘરે નહીં પહોંચતા ચિંતાતુર તેના પિતા શોધતા શોધતા શાળાએ પહોંચ્‍યા હતા. પિતાનો અવાજ સાંભળીને દિશાએ બૂમો પાડી પિતાને બોલાવ્‍યા. ત્‍યાર બાદ પિતાએ સંચાલકોને આ બાબતની જાણ કરી ગેટને મારેલું તાળું ખોલાવી પોતાની દીકરીને બહાર કાઢી હતી.

શાળાના શિક્ષકો, પટાવાળાએ વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થી રહી ગયું તો નથી તે જોયા વગર જ શાળાને તાળું મારી ચાલી ગયા હતા. આ બાબતે વાલીએ ફરિયાદ કરતા સંચાલકોએ સ્‍ટાફને ફરીવાર આવી ઘટના ન બને તે માટે જવાબદારોએ કાળજી રાખવાની આદેશ આપ્‍યો છે.

સ્‍થાનિકો દ્વારા મળી રહેલી માહિતી મુજબ ગણેશ વિસર્જન હોવાથી ૫ વાગ્‍યાને બદલે ૩ વાગ્‍યે શાળામાં રજા આપી દેવામાં આવી. આ સમયે છૂટવા માટે બેલ પણ માર્યો ન હતો જેના કારણે આ વિદ્યાર્થિની સ્‍કૂલમાં જ બે કલાક સુધી સ્‍કૂલમાં પૂરાઈ રહી.

(10:10 am IST)