ગુજરાત
News of Wednesday, 19th September 2018

શોથબીસ દ્વારા કલા-સંસ્કૃતિને લગતી વસ્તુઓની હરાજી થશે

ભારતમાં સૌપ્રથમવાર અદ્ભુત હરાજીઃ મોર્ડન-કન્ટેમ્પરરી આર્ટને લઇ આર્ટ ક્યુરેટર અને હેરિટેજ પ્રેમીઓ માટે કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમમાં સંવાદ

અમદાવાદ,તા.૧૮: મોર્ડન અને કન્ટેમ્પરરી આર્ટ અને ખૂબ જ દુર્લભ તેમ જ વર્લ્ડકલાસ ચીજવસ્તુઓની ઇન્ટરનેશનલ ઓકશન હાઉસ શોથબીસ દ્વારા મુંબઇમાં તા.૨૯મી નવેમ્બરના રોજ હરાજી થશે, જેમાં હેરીટેજ રસિકો અને કલાપ્રેમી જનતા ભાગ લેશે. ભારતમાં સૌપ્રથમવાર શોથબીસ દ્વારા યોજાઇ રહેલ આ ઓક્શનમાં મોર્ડન અને કન્ટેમ્પરરી આર્ટ અને વિશ્વભરમાં બેનમૂન કહી શકાય તેવી કલા,સ્થાપત્ય, પેઇન્ટીંગ્સ, ફોટોગ્રાફ્સ, આર્કિટેક્ટ સહિતની ચીજવસ્તુઓની બોલી લાગશે. મુંબઇમાં નિર્ધારિત આ ઓક્શન અને આર્ટ ક્યુરેટર અને હેરીટેજના ઉત્સુકો-કલાપ્રેમીઓ માટે શોથબીસ દ્વારા કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝીયમ ખાતે એક ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને યુવા ફીક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન, અમદાવાદ ચેપ્ટરનું સમર્થન મળ્યું હતું. ખૂબ જ રસપ્રદ અને મહત્વના આ સંવાદમાં સોથીબેસના ભારતીય અને દક્ષિણ એશીયાઈ આર્ટના આંતરરાષ્ટ્રીય વડા શ્રીમતી યામીની મહેતા, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝીયમના ટ્રસ્ટી, શ્રીમતી જયશ્રી લાલભાઈ અને શોથબીસના ભારતમાં મેનેજીંગ ડિરેકટર ગૌરવ ભાટિયાએ ભાગ લીધો હતો અને કલા-સંસ્કૃતિના વારસાની માવજત, તેનો સંગ્રહ અને સ્થાપના વિશે વાત કરી ઉપયોગી જાણકારી આપી હતી. આ અંગે શોથબીસના આંતરરાષ્ટ્રીય વડા શ્રીમતી યામિની મહેતા અને કસ્તુરભાઇ લાલભાઇ મ્યુઝિયમના ટ્રસ્ટી જયશ્રી લાલભાઇએ જણાવ્યું હતું કે, શોથબીસ દ્વારા તા.૨૯મી નવેમ્બરે મુંબઇ ખાતે યોજાનારા આ ઐતિહાસિક અને અનોખા એવા ભારતના આ સૌપ્રથમ ઓકશનમાં જૂના-પુરાણા પરંતુ ૧૦૦ વર્ષથી વધુ જૂના ના હોય તેવા દુર્લભ, અપ્રિતમ અને બેનમૂન મોર્ડન અને કન્ટેમ્પરરી આર્ટને પસંદ કરવામાં આવ્યા છે. આ ઓકશનમાં કલાપ્રેમી જનતાને ૫૦થી આવી દુર્લભ આર્ટને ખરીદવાની તક મળશે. ઓકશનમાં એમ.એફ.હુસૈનના પેઇન્ટીંગ્સથી લઇ, તૈયબ મહેતાનું રૂ.૨૦ કરોડનું મહિસાસુર મર્દિની મા દુર્ગાનું અદ્ભુત પેઇન્ટીંગ્સ સહિત કલા મહાત્મ્ય ધરાવતી દુર્લભ ચીજવસ્તુઓ જોવા મળશે. કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝીયમ, અમદાવાદ, શોથબીસ અને ફીક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન (અમદાવાદ ચેપ્ટર) દ્વારા આજે બીલ્ડીંગ ઓફ અ લેગસી – કલેક્શન એન્ડ ઈન્સ્ટીટ્યુશન્સ વિષય પરના સંવાદનું આયોજન શ્રીમતી જયશ્રી લાલભાઈ, ટ્રસ્ટી, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝીયમ અને શોથબીસનાં ભારતીય અને દક્ષિણ એશીયાઈ આર્ટના આંતરરાષ્ટ્રીય વડા શ્રીમતી યામિની મહેતાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટની પહેલ શ્રીમતી શ્રીયા દામાણી, ચેરપર્સન, યંગ ફીક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન, અમદાવાદ ચેપ્ટર દ્વારા અને તેની સહ-યજમાની ગૌરવ ભાટીયા, જે શોથબીસના ભારતમાં મેનેજીંગ ડિરેક્ટર છે તેમના દ્વારા કરવામાં આવી હતી. કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝીયમના ટ્રસ્ટી, શ્રીમતી જયશ્રી લાલભાઈએ જણાવ્યું હતું કે, કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝીયમનો સતત પ્રયત્ન રચનાત્મકતા અને કળાના સારને જાળવવાનો રહ્યો છે, શોથબીસ એ આ કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝીયમ ખાતે યોજવાનું નક્કી કર્યું તે અમારા માટે આનંદની વાત છે.  સોથીબેસના આંતરરાષ્ટ્રીય વડા શ્રીમતી યામિની મહેતાએ જણાવ્યું કે, છેલ્લો દાયકો ભારતમાં કલા અને ઐતિહાસિક સ્થળો માટે બદલાવનો રહ્યો છે, ફક્ત કલાના મૂલ્યાંકનકારો અને સંગ્રહકોમાં જ નહીં, પરંતુ સામાન્ય લોકોમાં પણ કલા પ્રત્યેની ઉત્સુકતા વધી રહી છે. તેનાથી દેશમાં કલા અને સાંસ્કૃતિક પહેલોની સંખ્યામાં વધારો થયો છે, કલા સંગ્રહમાંથી આવતા અંગત આશ્રયોના ઘટાડોમાં વધારો થયો છે.

અમદાવાદના કલા જિજ્ઞાસુઓ અને આર્ટ ઉદ્યોગના અર્થશાસ્ત્ર તથા તેના ભાવિ વિકાસનો પાયો નાખવામાં મદદરૂપ થવા માટે અમે શોથબીસ અને કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમની સાથે સંયોજન કરતા અત્યંત ખુશી અનુભવીએ છીએ. આ પ્રસંગે શ્રીયા દામાણી, ચેરપર્સન, યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઈઝેશન અમદાવાદ ચેપ્ટર દ્વારા મહાનુભાવોનો આભાર વ્યકત કરાયો હતો.

(10:26 pm IST)