ગુજરાત
News of Monday, 19th August 2019

ગૌરવ દહિયા કેસ : સરકારને વલણ સ્પષ્ટ કરવાનો આદેશ

ગુજરાત પોલીસ ખોટી રીતે હેરાન કરે છે : દહિયા : ગુનાના સંદર્ભમાં કાર્યક્ષેત્ર દિલ્હી પોલીસ હેઠળ આવે છે ગુજરાત પોલીસ માત્ર કાગળ આધાર ઉપર હેરાન કરે છે

અમદાવાદ, તા.૧૯ : કથિત પ્રેમ પ્રકરણના કારણે ચર્ચાના ચકડોળે ચડેલા સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. દહિયાએ અરજીમાં ગુજરાત સરકાર પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે કે, તેમના કથિત ગુના અંગેનું કાર્યક્ષેત્ર દિલ્હી પોલીસ હેઠળ આવે છે, આમ છતાં ગુજરાત પોલીસ માત્ર ફરિયાદના મળેલા કાગળના આધારે ખોટી રીતે હેરાન કરી રહી છે. દહિયાના આક્ષેપ અને અરજી મામલે હાઇકોર્ટે રાજ્ય સરકારને તા.૨૨મી ઓગસ્ટ સુધીમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૨૨મી ઓગસ્ટે મુકરર કરી હતી. દિલ્હીની મહિલા સાથેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં તપાસ સમિતિનાં રિપોર્ટ બાદ આઈએએસ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

     નોંધનીય છે કે, ગાંધીનગર પોલીસે ગૌરવ દહિયાને હાજર રહેવા માટે ચાર વાર નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર રહ્યાં ન હતાં. સેકટર ૭ પોલીસે ગૌરવ દહિયાને હાજર થવા ચાર-ચાર નોટિસ આપ્યા બાદ ગૌરવ દહિયાએ પોલીસ દ્વારા એક જ કેસની બે અલગ અલગ જગ્યાએ ચાલી રહેલી તપાસ સામે વાંધો લીધો છે. લીનુસિંહના આક્ષેપોની ગાંધીનગર અને દિલ્હી પોલીસ સમાંતર તપાસ કરી રહી હોવાથી તા.૨૧ ઓગસ્ટે તેમને દિલ્હીના માલવિયા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું છે. બીજીબાજુ, ગુજરાત પોલીસ તેમને ખોટી રીતે હેરાન કરી રહી હોવાના આક્ષેપ સાથે હવે ગૌરવ દહિયાએ હાઇકોર્ટમાં અરજી કરી માર્ગદર્શન પણ માગ્યું છે, જેને લઇને હવે આ સમગ્ર મામલો કાયદાકીય પ્રક્રિયામાં પહોંચ્યો છે. હાઇકોર્ટે પણ દહિયાની અરજી ધ્યાને લઇ આ કેસમાં પોતાનું વલણ સ્પષ્ટ કરવા રાજય સરકારને નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી તા.૨૨મી ઓગસ્ટ પર નિયત કરી હતી.

(8:45 pm IST)