ગુજરાત
News of Monday, 19th August 2019

સુરત: રિક્ષામાં આવી ગઠિયાએ કારખાનામાંથી 70 હજારની સાડીની ચોરી કરી

સુરત:પુણા ગામ ખોડીયાર નગર સોસાયટીમાં આવેલા સાડી ઉપર લેસપટ્ટી મૂકવાના કારખાનામાં છેલ્લા 20 દિવસથી રાત્રે સૂતો કારીગર રવિવારે રાત્રે બીજે સૂવા ગયો હતો. દરમિયાન, ગત મળસ્કે રીક્ષામાં આવેલા બે ચોર માત્ર 15 મિનિટના સમયગાળામાં કારખાનાનો નકૂચો અને તાળું તોડી તેમાંથી રૂ.70 હજારની કિંમતની સાડી ચોરી રીક્ષામાં ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પુણા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરતમાં પુણા ગામ તળાવ પાસે નારાયણ નગર ઘર નં.એ/149 માં રહેતા 44 વર્ષીય અશોકભાઈ મનસુખભાઈ દોંગા પુણા ગામ માનસરોવર સ્કૂલની પાછળ ખોડીયાર નગર સોસાયટી મકાન નં.49 માં સાડી ઉપર લેસપટ્ટી મુકવાનું જોબવર્કનું કામ કરે છે. તેમના કારખાનામાં કામ કરતો કારીગર જાબીરઅલી શાહકુલઅલી છેલ્લા 20 દિવસથી રાત્રે કારખાનામાં જ સુવે છે. ગત સવારે આઠ વાગ્યે કારખાનામાં કામ કરતો બીજો કારીગર કમલેશ કારખાના ઉપર પહોંચ્યો ત્યારે દરવાજાનો નકૂચો તૂટેલો હતો અને તાળું નજરે ચઢતું નહોતું.

(5:45 pm IST)