ગુજરાત
News of Monday, 19th August 2019

બનાસ નદીમાં 500 ક્યુસેક પાણી છોડાતાં સાંતલપુરના 12 ગામોમાં જવાનો રસ્તો ધોવાયો

અધુરા પૂલ નીચેથી લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર: કિનારાના તમામ ગામોને એલર્ટ કરાયા

પાલનપુર: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન બનાસ નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે. બનાસમાં 500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના નદી કાંઠાના 12 ગામો પ્રભાવિત થયા છે.

બનાસના પાણી ફરી વળતા અબીયાણા ગામને જોડતાં અધુરા પૂલ નીચેથી લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે.

બનાસ નદીના પાણીના લીધે સાંતલપુર તાલુકાના 12 ગામોમાં જવાનો રસ્તો ધોવાયો છે. બનાસના પટમાં આવતાં એક ડાયવર્ઝન પર જોખમ ઊભું થયું છે.

ઉત્તર ગુજરાતમાં બનાસ નદીના કાંઠે આવતાં ગામના રહીશોને હાલાંકી ભોગવવી પડી રહી છે.

નદી કાંઠે આવેલા અબીયાણા, લુણીચણા, ઉનડી, રામપુર, આંતનેસ, ગડસઇ, લીમગામડાં વિ. ગામોનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.

બનાસ નદીમાં પાણી આવવાથી જિલ્લામાં પાણીના તળને મોટો ફાયદો થઈ શકે છે. જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં પાણી આવતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. પણ બીજી તરફ, ઉપરવાસમાં ભારે વરસાદને લઇ બનાસ નદીમાં પાણી આવતા એલર્ટ અપાયું છે. નદીમાં પાણીનું લેવલ વધી જવાથી કિનારાના તમામ ગામોને એલર્ટ કરાયા છે.

(12:25 pm IST)