ગુજરાત
News of Monday, 19th August 2019

પોલીસ-પ્રજાને ધંધે લગાડવા વડોદરાના બે યુવાન મિત્રોને ક્રુર મજાક કરેલીઃ અનુપમસિંહ ગેહલોત

રાતોરાત એ યુવાનોની ધરપકડ કરી , પોલીસે આકરી કલમો હેઠળ ગુન્હાઓ દાખલ કરાવ્યા : વડોદરાના મોલમાં શંકાસ્પદ બેગ મૂકી મોલ ખાલી કરાવવા સાથે પોલીસને દોડતી કરવાના ચકચારી મામલાની ભીતરની કથા

રાજકોટ, તા., ૧૯: વડોદરાના ગેલેકસી મોલમાં, મોલના કર્મચારીઓને અંદર બેગ પહોંચાડવા અને તે માટે મોટી રકમની લાલચ આપી શંકાસ્પદ વાતાવરણ ખડુ કરી પોલીસ અને પ્રજાને ધંધે લગાડવાનું કૃત્ય બે યુવાનોને ભારે પડી ગયું છે.

મોલના સ્ટાફ દ્વારા રૂપીયા સ્વિકારવા ઇન્કાર કરી દેનાર કર્મચારીઓએ મોલના સંચાલકોને શંકાસ્પદ બાબત અંગે જાણ કરતા મોલના જવાબદારોએ તાત્કાલીક પોલીસ કંટ્રોલનો સંપર્ક સાધવા સાથે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતને જાણ કરતા જ તેઓએ તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચ સહિતની તમામ બ્રાન્ચો અને સ્થાનિક પોલીસને દોડતી કરી દીધી હતી અને એ યુવાનોને સીસીટીવી ફુટેજ આધારે ગણત્રીના કલાકોમાં જ ઝડપી લીધા હતા. જેની ધરપકડ થઇ છે તેમના નામ સાગર ઠક્કર અને જીગર ચકરડી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

ઉકત યુવાનો બંન્ને મિત્ર છે અને હાલામં જયારે આતંકવાદી ઇનપુટને કારણે પોલીસે ચેકીંગ વધાર્યુ છે તેવા સમયનો લાભ લઇ પોલીસ અને લોકોને ધંધે લગાડવા માટે આવી ક્રુર મજાક કરી હતી તેમ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેઓએ અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ કે ઉકત બંન્ને યુવાન મિત્રો સામે પોલીસે વિવિધ કલમો લગાડી છે. આ કલમોમાં પોલીસ ઓફીસરને તથા સ્ટાફને બીન જરૂરી દોડધામ કરાવી, લોકોને ભયભીત કરવા વિગેરે આરોપસરની કલમો લગાડી ઉકત બંન્નેની અટકાયત કરી છે. (૪.૬)

(12:02 pm IST)