ગુજરાત
News of Monday, 19th August 2019

વેપારીઓને બોણીના પણ ફાફા...

સોના અને ચાંદીનાં ભાવ ભડકે બળતા બજારને મંદીનો ભરડોઃ ઘરાક દેખાતા નથીઃ કારીગરો વતન ભણી

૧૦માંથી ૮ ગ્રાહકો સોનું વેચવા આવે છેઃ ખરીદી નહિવત

અમદાવાદ, તા.૧૯: સોના-ચાંદીના ભાવોમાં અસહ્ય વધારો થતા બજારમાં મંદીનો માહોલ થઈ ગયો છે. કેટલાક વેપારીએ સ્ટાફને ફરજિયાત રજા ઉપર ઉતારી દીધા છે. બીજી તરફ દાગીના બનાવતા કારીગરો કોલકાતા જતા રહ્યા છે અને વેપારીઓએ તેમને દિવાળી બાદ આવવાનું કહી દીધું છે. અત્યારે સોનાના ભાવો વધી જતા નવી ઘરાકી બંધ છે. જયારે કેટલાક ગ્રાહકો જૂના સોનાના સિક્કા વેચાણ કરવા આવે છે પરંતુ રોકડ રકમની અછત હોવાથી વેપારીઓ નવી ખરીદી કરતા નથી. વેપારીઓ દુકાન ખોલી, દીવા-બત્તી કરી, બે કલાક બેસીને જતા રહે છે. આંગડિયા પેઢીઓ રોકડ રકમ અને જવેલર્સના દાગીના પાર્સલ ઉપર ચાલતી હોય છે. પરંતુ સોના-ચાંદીમાં મંદીની અસર હોવાથી બજારમાં રોકડ રકમ ફરતી બંધ થઈ ગઈ છે. જેની સીધી અસર આંગડિયા પેઢીઓ ઉપર થઈ રહી છે.

શહેરના મોટાભાગના જવેલર્સના શો-રૂમોમાં દ્યરાકી દેખાતી નથી. દસમાંથી આઠ ગ્રાહકો સોનું વેચવા આવી રહ્યા છે. સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે. હવે સોનું ખરીદવું સ્વપ્ન બની જાય તેની પરિસ્થિતિ ઊભી થઇ છે. બજારના વર્તુળોનું કહેવું છે કે, આગામી દિવસોમાં સોનાના ભાવ રૂ.૪૦ હજારને પાર કરી જશે. જે અત્યાર સુધીના ભાવોમાં રેકોર્ડબ્રેક ગણાશે. છેલ્લા દ્યણા સમયથી સોના ચાંદી બજારમાં દ્યરાકી દેખાતી નથી. તહેવારો શરૂ થયા હોવા છતાં દ્યરાકી દેખાતી નથી. ડિસ્કાઉન્ટની ઓફરો મૂકી હોવા છતાં મંદીનો માહોલ છે. જવેલર્સના શો-રૂમોને બોણી થતી નથી તેથી કર્મચારીઓને પગાર કેવી રીતે ચુકવવો તે સવાલ ઉભો થયો છે. સોનું વેચવા આવતા ગ્રાહકોને કિંમત ચૂકવતા ચૂકવતા શો રૂમોના માલિકોના બેન્ક ખાતાઓ ખાલી થઇ રહ્યા છે. બીજી તરફ નવા ઓર્ડર મળતા નથી. જૂના સ્ટોકનું વેચાણ ન થાય ત્યાં સુધી નવો સ્ટોક લેવાનું કોઇ જોખમ લેતું નથી.

રતનપોળના વેપારીનું ૮ કરોડનું સોનું તેના મામા લઈ ગયા હોવાથી વેપારી તકલીફમાં આવ્યો છે. જયારે મામાએ બજારમાંથી ૩૦થી ૩૫ કરોડનું સોનું અન્ય વેપારીઓનું લઈ લીધું હોવાથી તેની સીધી અસર અન્ય વેપારીઓ ઉપર થઈ છે. વેપારીઓ સોનું ઉછીનું લઈને ધંધો કરતા હતા. આ સોનું માંગવામાં આવતા કેટલાકે તો હાથ અધ્ધર કરી લીધા હોવાનું જાણવા મળે છે.

અત્યાર સુધી બજારમાંથી કેટલાક બંગાળી કારીગરો સોનું લઈને તેમના વતન જતા રહેતા કાલુપુર અને ખાડિયા પોલીસ મથકોમાં સખ્યાબંધ ફરિયાદો થઈ છે. પરંતુ વેપારીઓનું સોનું પરત આવી શકયું નથી. કોલકાતાના કેટલાક કારીગરો વેપારીઓનું સોનું લઈને જતા રહેતા હોવાથી અત્યારે દાગીના બનાવવાના કામકાજ ઉપર રોક લગાવી દીધી છે અથવા તો વેપારી તેમની દુકાનમાં કારીગરને બેસાડીને દાગીના બનાવી રહ્યા છે.

(10:24 am IST)