ગુજરાત
News of Sunday, 19th August 2018

હાર્દિક પટેલને મુક્ત કરો :અમદાવાદ ક્રાઇમ બ્રાંચ બહાર સમર્થકોના ભારે સુત્રોચાર

પાસના કન્વીનરો અને પાટીદાર યુવાનોએ જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા

અમદાવાદ :હાર્દિક પટેલ એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા જઇ રહ્યો હતો.ત્યારે તેના નિવાસ સ્થાન બહારથી જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની અટકાયત કરી હતી. ત્યારબાદ તેને ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો હતો તેની અટકાયતથી પાસના કન્વીનરોમાં ભારે રોષ ફેલાયો હતો.સાથે જ ગુજરાતની વિવિધ જગ્યાએ વિરોધના વંટોળ શરૂ થઇ ગયા હતા. હાર્દિક પટેલને છોડાવવા માટે પાસ કન્વીરો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા હતા. ધીમે ધીમે પાસ કન્વીનરો ક્રાઇમ બ્રાન્ચ બહાર એકઠાં થઇ રહ્યા છે. અને જય સરદાર જય પાટીદાર સુત્રોચ્ચાર કર્યા હતા.

   ક્રાઇમ બ્રાન્ચ બહાર આવેલા પાસ કન્વીનર નિખિલ સવાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાત પોલીસ એકદમ નમાલી છે. એ સાબિત થાય છે કે એક દિવસના પ્રતિક ઉપવાસમાં આટલી મોટી પોલીસ ફોર્સ ખડકી દેવામાં આવી છે. એક દિવસના ઉપવાસ માટે આટલી મોટી સંખ્યામાં તમામ કન્વીનરોના ઘરે અને નિકોલ આખા વિસ્તારમાં પોલીસ ખડકી દીધી હતી. જો આટલી પોલીસ આતંકવાદીઓને પકડવા માટે લગાડે તો ગુજરાત અને દેશ આતંકવાદીઓથી મુક્ત બની જાય.

(7:10 pm IST)