ગુજરાત
News of Thursday, 19th July 2018

અમદાવાદમાં 60 લાખની વસ્તી સામે 40 લાખ વાહનો :રોજના 500 વાહનોનો ઉમેરો

પાંચ વર્ષમાં બીજા નવ લાખ વાહનોનો ઉમેરો થતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા અતિ વિકરાળ બનશે

અમદાવાદ શહેરમાં રોજના એવરેજ ૫૦૦ જેટલા નવા વાહનોનો ઉમેરો થઇ રહ્યો છે.ચાલુ વર્ષમાં ફેબુ્રઆરીથી મે સુધીના ચાર માસમાં  ૫૯,૪૭૮ નવા વાહનોનું વેચાણ થઇ ચૂક્યું છે.આ રીતે વેચાણ થયું તો  આવનારા પાંચ વર્ષમાં શહેરમાં બીજા નવ લાખ વાહનોનો ઉમેરો થતા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા અતિ વિકરાળ બની રહેશે.હાલમાં શહેરમાં અંદાજે ૬૦ લાખની વસ્તી સામે ૪૦.૬૮ લાખ વાહનો છે

 શહેરમાં ૨૫,૭૫,૨૧૪ મોટર સાયકલ અને સ્કૂટરની સંખ્યા છે. ૨,૯૬,૩૪૧ મોપેડ અને ૧,૮૩,૨૯૫ ઓટો રિક્ષાઓની સંખ્યા છે. શહેરમાં ૬,૬૪,૦૮૯ ફોર વ્હિલર મોટર કારની સંખ્યા છે. શહેરમાં ગત ફેબ્રુઆરી માસથી મે માસ સુધીના ચાર માસમાં જ ૫૯,૪૭૮ વાહનોની સંખ્યા વધી ગઇ છે.જેમાં ફોર વ્હિલર મોટરકાર ૧૨,૩૮૮ વેચાણ થઇ છે. ૨,૫૪૨ ઓટો રિક્ષા, ૪૧,૫૬૧ મોટર સાયકલ-સ્કૂટર વેચાઇ ગયા છે.

 આમ શહેરમાં ખાનગી વાહનોની વધતી જતી સંખ્યા પણ એક ચિંતાનો વિષય બની છે. જે પણ ટ્રાફિકના પ્રશ્ન માટે એટલીજ જવાબદાર છે. શહેરમાં પબ્લિક પરિવહનની સેવાને વધુ સુદઢ અને મજબૂત બનાવવાથી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવી શકાય તેમ છે.

(11:38 pm IST)