ગુજરાત
News of Thursday, 19th July 2018

ગુજરાતી સોંગ ઉપર જોરદાર ડાન્સ-ગરબાની રમઝટ હશે

કલર્સ પર ડાન્સ રિયાલિટી શો નાચ મારી સાથે : હિતુ, વ્યોમા નાન્દી અને કોરિયોગ્રાફર બવળેચા શો જજ તરીકેની ભૂમિકામાં : ગુજરાતી કલાકારોને એક નવું મચ

અમદાવાદ, તા.૧૯ : ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર કલર્સ ગુજરાતી ટીવી પર ગુજરાતી ડાન્સ રિયાલિટી શો-  "નાચ મારી સાથે" તા.૨૩મી જૂલાઇથી શરૂ થઇ રહ્યો છે તેને લઇ તેના પ્રમોશન માટે શોના જજીસ અને ખ્યાતનામ ગુજરાતી કલાકારો હિતુ કનોડિયા, વ્યોમા નાન્દી, જાણીતા કોરિયોગ્રાફર નીરજ બવળેચા, રેવંત સારાભાઇ અને રિધ્ધી દવે આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે ટીવી રિયોલિટી શોમાં સૌપ્રથમવાર જજ તરીકેની ભૂમિકામાં દેખાનાર હિતુ કનોડિયા અને ગુજરાતી ફિલ્મોની ઉભરતી અભિનેત્રી વ્યોમા નાન્દીએ જણાવ્યું હતું કે, ગુજરાતના કુશળ અને નિષ્ણાત ડાન્સર્સને તેમની ડાન્સની કલા-પ્રતિભાને એક અદ્ભુત અને ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઇરાદાથી કલર્સ ટીવી ગુજરાતી આ અનોખો ડાન્સ રિયાલિટી શો લઇને આવી રહ્યું છે. આ શોમાં ગુજરાતના આંતરિયાળ ગામડા અને વિસ્તારોમાં એવા એવા કલાકારો અને ડાન્સરોએ એટલા જોરદાર ડાન્સ કર્યા છે કે, જે જોઇ અમે સૌકોઇ આશ્ચર્યચકિત અને દંગ થઇ ગયા છીએ. અમને આશા છે કે, ગુજરાતની જનતાને પણ આ સૌથી પહેલો ગુજરાતી ડાન્સ રિયાલિટી શો ખૂબ જ ગમશે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાચ મારી સાથે એ ગુજરાતી ટેલિવિઝન પર સૌપ્રથમ ડાન્સનો રિયાલિટી શો છે કે જેમાં ટેગલાઇન જ છે કે, ડાન્સ તમારો, મંચ અમારો. આ શો માટે લોકોને મંચ સુધી ઓડિશન માટે નથી બોલાવાયા પરંતુ મંચ એટલે કે, અમે ખુદ લોકો સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓડિશન માટે ગયા હતા, જે સૌથી અનોખી અને સૌથી પહેલી પહેલ છે. આ ગુજરાતી ડાન્સ રિયોલિટી શોમાં તમને ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા ડાન્સરો-કલાકારો ગુજરાત સોન્ગ પર ડાન્સ જોવા મળશે. ખાસ કરીને અર્બન ગરબા અને સ્વેગ ગરબાનું એક નવુ રૂપ તમને બધાને જોવા મળશે. નાચ મારી સાથે - ગુજરાતી ડાન્સ રિયાલિટી શો પછી નવરાત્રિમાં અર્બન ગરબા અને સ્વેગ ગરબાનો નવો ્ટ્રેન્ડ પણ જોવા મળશે તે નક્કી છે. બ્લ્યુ ઓર્કિડ પ્રા. લિ. દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલો કાર્યક્રમ"નાચ મારી સાથે" તારીખ ૨૩ જુલાઈ ૨૦૧૮ ના રોજ શરૂ થશે. જે દર સોમવાર અને મંગળવારે રાત્રે ૯.૩૦ વાગ્યે માત્ર કલર્સ ગુજરાતી પર પ્રસારિત થશે. દરમ્યાન આ શો અંગે વાયકોમ મોશન પીકચર્સ, મરાઠી, તેમજ કલર્સ મરાઠી અને કલર્સ ગુજરાતીના બીઝનેસ હેડ  નિખીલ સાનેએ જણાવ્યું હતું કે, "કલર્સ ગુજરાતીમાં અમે દર્શકો જેની સાથે તાદાત્મ્ય કેળવી શકે તેવું મનારંજન પીરસીએ છીએ. ગુજરાતીઓ નૃત્ય અને તેના વિવિધ પ્રકારો પ્રત્યે પ્રાકૃતિક રીતે જ ખેંચાણ ધરાવે છે. નૃત્યકળા પ્રત્યેનો તેમનો પ્રેમ તેમની ભાથીગળ સંસ્કૃતિ ગુજરાતીઓના વારસામાં જોવા મળે છે. આજ કારણે "નાચ મારી સાથે"દ્વારા અમે યુવા પ્રતિભાઓને તેમના ડાન્સ પ્રત્યેના પ્રેમ-ઝનુનને દર્શાવવાની, જીવનમાં ક્યારેક જ મળતી તક અને એક ખાસ મંચ પુરુ પાડી રહ્યા છીએ. હિતુ કનોડિયા, વ્યોમા નાન્દી અને જાણીતા કોરિયોગ્રાફર નિરવ બવળેચાને આ શોના જજ તરીકે સામેલ કરાતાં શો ને લઇ ભારે ઉમંગ-ઉત્સાહ ખુબ વધી ગયા છે.  દરમ્યાન ડાન્સર તેમજ કોરિયોગ્રાફર નિરવ બવળેચાએ જણાવ્યું કે, નૃત્યએ મારુ પેશન છે અને મને ખબર છે કે શો માટે ડાન્સનું હુનર ધરાવતા લોકોને શોધવામાં અમે જરૂર સફળ થઈશું. હું ક્યારેક એક પ્રતિસ્પર્ધી પણ રહી ચૂક્યો છું અને મને ખ્યાલ છે કે ત્યાં પહોંચવા માટે કેટલી મહેનતની જરુર પડે છે. હું દરેક પ્રતિસ્પર્ધીઓને નેચરલ અને શ્રેષ્ઠ નૃત્ય કરવાની સલાહ આપવા માગું છું. નાચ મારી સાથે ગુજરાતના ડાન્સરો માટે કારકિર્દી બનાવવામાં પણ એક અદ્ભુત અને ઉત્કૃષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.

(9:32 pm IST)