ગુજરાત
News of Thursday, 19th July 2018

૧૧ કરોડના ખર્ચે વધુ ૫૦ ટ્રાફિકના સિગ્નલ બનાવાશે

ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ભાગરૂપે : કોર્પોરેશન સંકુલમાં લાખોના ખર્ચે આરસીસી રોડ બનાવાશે

અમદાવાદ, તા.૧૯ : અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક વિભાગના સહયોગથી આશરે રૂ.૧૧ કરોડના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વધારાના ૫૦ નવા ટ્રાફિક સિગ્નલ ઉભા કરવામાં આવશે. અમ્યુકો સત્તાવાળાઓએ આ અંગેની જરૂરી કવાયત હાથ ધરી છે. તાજેતરમાં શહેરભરમાં ટ્રાફિકના મામલે સર્જાયેલી અરાજકતાના પગલે હાઈકોર્ટે મ્યુનિ. સત્તાવાળાઓ ઉપરાંત ટ્રાફિક પોલીસનો પણ ઊધડો લીધો હતો. વાહનચાલકોને છાશવારે પરેશાન કરતી ટ્રાફિક જામની સમસ્યા માટે ટ્રાફિક પોલીસને પણ જવાબદાર ગણી છે. દરમ્યાન શહેર ટ્રાફિક પોલીસના અભિપ્રાય મુજબ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને જરૂરી હોય તેવા પોઇન્ટ પર વધુ ૫૦ ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ ટ્રાફિક સિગ્નલના પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી માટે રૂ.૧૧ કરોડનો અંદાજ તૈયાર કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં અત્યારે ૨૦૦થી વધુ ટ્રાફિક સિગ્નલ છે. આવતીકાલે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટીમાં મધ્ય ઝોનના ઈજનેર વિભાગ દ્વારા મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા સી બ્લોકના બેઝમેન્ટ વિસ્તારમાં આરસીસી રોડ બનાવવાના કામના ટેન્ડર મંગાવતાં લોએસ્ટ કોન્ટ્રાક્ટર સર્જન બિલ્ડર્સના અંદાજિત ભાવથી ૧૩.૫૦ ટકા ઓછા ભાવના રૂ.૨૩.૯૨ લાખના ટેન્ડરને મંજૂરી માટે મુકાયું છે. આ ઉપરાંત શહેરના કુલ આઠ અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે જુદી જુદી કેપેસિટીના સબમર્સિબલ પમ્પ રૂ.૪૨.૬૬ લાખના ખર્ચે ખરીદવાનાં ચક્રો પણ ગતિમાન કરાયાં છે. જયારે બોડકદેવ વોર્ડમાં એસ.જી. હાઈવેથી ઔડા પાર્ટી પ્લોટ સુધીના રોડના રૂ.બે કરોડના ખર્ચે અને ગ્રાન્ડ ભગવતી હોટલથી શરણ્ય બંગલાથી જીવાભાઈ ટાવર સુધીના રોડને રૂ.૧.૮૬ કરોડના ખર્ચે રિસરફેસ કરવાની દરખાસ્ત પણ મંજૂરી માટે મુકાઈ છે. આમ, અમ્યુકો સત્તાવાળાઓએ વિકાસના કામોની યાદી તૈયાર કરી દીધી છે.

(7:47 pm IST)