ગુજરાત
News of Thursday, 19th July 2018

પલસાણામાં પિતાની ભૂલના કારણે અઢી વર્ષનો બાળક મોતના મોમાં ધકેલાયો

પલસાણા:તાલુકાના વણેસા ગામેથી ખેડૂતની કારમાંથી અઢી વર્ષના  બાળકના અપહરણના ચકચારી બનાવમાં બુધવારે ત્રીજા દિવસે બાળકના પિતાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે મીંઢોળા નદીના પુલ પર પુત્રને પાણી બતાવવા લઈ જતા હાથમાંથી છટકી જતા પુત્ર નદીનાં પાણીમાં પડી ગયો હતો. જો કે, સતત ત્રણ દિવસથી ફાયરબ્રિગેડની શોધખોળ છતાં બાળક મળ્યો નથી.

વણેસા ગામે લુહાર ફળિયામાં રહેતા નીશીત રાજેશભાઈ પટેલ ગત સોમવારે સવારે પોતાની આઈ-ટ્વેન્ટી કારમાં અઢી વર્ષના પુત્ર નીવને બેસાડી સોયાણી ગામે ખેતર વિસ્તારમાં આવેલા માંકડેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા રસ્તામાં બે રીક્ષામાં આવેલા ૭ શખ્સોએ ચપ્પુ અને પિસ્તોલ બતાવી પુત્ર નીવનું અપહરણ કરી ગયા હતા. નીશીત પટેલે રીક્ષાનો પીછો કરતા અપહરણ કરનારાએ નીવને બારડોલી મીંઢોળા નદીના પાણીમાં નીવને ફેંકી દઈ ભાગી ગયા હોવાની નીશીત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પલસાણા પીએસઆઈ જે.એસ. કંડોરી પાસે અપહરણ અને આર્મ્સ એક્ટનો ગુનો નોંધી શરૃ કરેલી તપાસમાં સતત ત્રણ દિવસ બારડોલી અને સુરત ફાયર બ્રિગેડની ટીમે મીંઢોળા નદીમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી. પોલીસે બાળકને મીંઢોળા નદીમાં નાંખવા અંગે શંકા થતા ગતરોજ એફએસએલની ટીમને સાથે રાખીને રી-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યુંહતું.

(5:17 pm IST)