ગુજરાત
News of Thursday, 19th July 2018

નકલી પોલીસના સ્વાંગમાં બોરસદમાં ગઠિયા સોનાના વેપારી પાસેથી 3.50 લાખના દાગીના ચાઉં કરી ગયા

બોરસદ:શહેરના બળિયાદેવ વિસ્તારમાં યુનિયન બેંકની સામે બુધવારે બપોરે ૨:૩૦ વાગ્યાના સુમારે અમદાવાદથી સોનાના પરચૂરણ દાગીના લઈ દુકાનદારોને સેમ્પલ બતાવવા આવેલ વેપારીને ત્રણ અજાણ્યા શખ્સોએ પોલીસ હોવાની ઓળખ આપી તેનો થેલો તપાસી વેપારીની નજર ચૂકવીને થેલામાં મૂકવામાં આવેલ સોનાના દાગીનાની લુંટ કરી રફુચક્કર થઈ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને આજુબાજુની દુકાનો અને બેંકના સીસીટીવી ફૂટેજ લઈ તપાસ હાથ ધરી છે. બળિયાદેવ વિસ્તાર બોરસદ શહેરનું મુખ્ય બજાર છે. અહીંયા આખો દિવસ લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે ભરબપોરે બનેલા બનાવને લઈ લોકોમાં ભય ફેલાયો છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. બપોરે બનેલી ઘટનાની મોડીરાત સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ થવા પામી નથી.

મળતી વિગતો અનુસાર અમદાવાદની રતનપોળ ખાતે આવેલા બ્રાહ્મણી જ્વેલર્સના વેપારી ગજેન્દ્રભાઈ ચમનાજી મારવાડી (મોદી)આણંદ અને ખેડા જિલ્લાના જુદા-જુદા શહેરોમાં આવેલી સોના-ચાંદીની દુકાનોએ ફરીને તેઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સોના-ચાંદીના દાગીના વેચવાનું કામ કરે છે. આજે તેઓ પોતાની કાળી બેગમાં ૧.૨૦ કીલોના સોનાના પરચુરણ દાગીના (વીંટી, બાલી, ચેઈન) કે જેની કિંમત ૩.૫૦ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે લઈને બોરસદ આવ્યા હતા. બપોરના સુમારે આવી ચઢેલા વેપારી બળિયાદેવ, પટેલ ચકલા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનોએ ફર્યા હતા અને વેપારીઓને દાગીના બતાવ્યા હતા. બપોરના ૨.૨ મિનિટે તેઓ યુનીયન બેંક તરફથી ફુવારા ચોક તરફ જઈ રહ્યા હતા ત્યારે લવજી એસ્ટેટ પાસે એક શખ્સે તેમને બોલાવ્યા હતા અને પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી અને તમારા થેલામાં શુ છે તે ચાલો બતાવો તેમ કહ્યું હતુ. 

(5:15 pm IST)