ગુજરાત
News of Thursday, 19th July 2018

વરસાદનું જોર ઘટયુઃ દક્ષિણ ગુજરાતમાં ૧ થી ૩ ઇંચ

આગામી ૯૬ કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ ગણદેવીમાં મકાન તૂટી પડતા પરણીતાનું મોતઃ સવારથી વાદળછાયુ વાતાવરણ

 વાપી તા. ૧૯ :.. રાજયભરમાં મેઘરાજાનું જોર ઘટયું હોય તેમ છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૧૪પ તાલુકાઓમાં ઝરમર થી પાા ઇંચ સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

રાજયના અનેક વિસ્તારોમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના પરચાને પગલે અફડા-તફડી સર્જાયા બાદ રાજયમાં મેઘરાજાનું જોર ઘટતા હાલમાં તો સૌ કોઇએ નિરાંતનો શ્વાસ લીધો છે.

દ. ગુજરાત પંથકના ઉકાઇ ડેમની જળ સપાટી સતત વધીને આજે સવારે ૮ કલાકે ર૯પ.૬પ ફુટે પહોંચી છે. ડેમમાં ૧ર૦૭૭ કયુસેક પાણી ઇનફલો થઇ રહ્યું છે. જયારે કોઝવેનું લેવલ આજે સવારે ૮ કલાકે સ્હેજ ઘટીને ૬.૪૩ મીટરે પહોંચ્યું છે.જો કે હજુ પણ કોઝવે તેના ઓવરફલો લેવલ કરતા ૦.૪૩ મીટર વધુ હોવાથી તંત્રએ બંધ રાખવો પડયો છે. હથનુર ડેમમાંથી આવતા પાણીની આવક ઘટતા ઉકાઇ ડેમની જળ સપાટીમાં એકાએક વધારો થાય એવી સંભાવના હાલ જણાતી નથી.આ સ્થિતીમાં હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર આગામી ૯૬ કલાકમાં એટલે કે ર૩ મી જૂલાઇ સુધી દ. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતીમાં ગણદેવી પંથકના ખેરગામ ખાતે એક મકાન તુટી પડતા દંપતિ કાટમાળ નીચે દબાયું હતું. જેમાં પત્નીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

બીજા એક બનાવમાં બિલીમોરા ખાતે વરસાદ થી શોર્ટ સર્કિટ થતા મકાનમાં આગ લાગી હતી. જો કે ફાયર ફાઇટરો આ આગને કાબુમાં લેવા સફળ નિવડયા હતાં. ભારે વરસાદમાં સાપ અને વીંછીએ ડંખ માર્યાના બનાવો પણ નોંધાયા હતાં.

દ. ગુજરાત પંથકમાં ભારે વરસાદને પગલે ખેતરો અને માર્ગોનું મોટાપાયે ધોવાણ થવા પામ્યું છે. અનેક વિસ્તારોમાં તો ખાડામાં વચ્ચે રસ્તો શોધવો પડે તેવી સ્થિતી સર્જાયેલ છે. નદીઓ ગાંડીતુર થતાં. દ.ગુજરાતમાં આશરે ૪૦૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી, અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાથી દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં ઝઘડીયા અને વાલીયા ૧ર-૧ર મી. મી., તો તાપી જીલ્લાના તાલુકાઓમાં વાલોળ ૧૩ મી. મી., તો તાપી જીલ્લાના તાલુકાઓમાં વાલોળ ૧૩ મી. મી. તો સુરત જીલ્લાના તાલુકાઓમાં કામરેજ અને મહુવા ૧૩-૧૩ મી. મી. માંગરોળ ૩૪ મી. મી. અને ઉમરપાડા ૧૬ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી પ૦ મી. મી., ગણદેવી ૩૧ મી. મી., ખેરગામ ૩૭ મી. મી., નવસારી ૧૬ મી. મી. અને વાસંદા ૩૩ મી મી, તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૧૯ મી.મી., સુબીર ૧૬ મી. મી. અને વઘઇ ૬૮ મી. મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર પર મી. મી., કપરાડા ર૬ મી. મી., પારડી ર૧ મી. મી. ઉમરગામ ૪૩ મી. મી.  વલસાડ ૪પ મી. મી. અને વાપી ૪૬ મી. મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

પૂર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં માત્ર હળવા ઝાપટાને પગલે ૧૮ મી. મી. સુધી વરસાદ નોંધાયેલ છે. તો ઉતર ગુજરાત પંથકમાં પ૧ તાલુકા પૈકી માત્ર પાંચ તાલુકાઓમાં હળવા ઝાપટા પડયા છે.

જો કે કચ્છમાં અંજાર ૪૦ મી. મી. ભચાઉ ર૦ મી. મી. ગાંધીધામ પ૪ મી. મી. અને મુદ્રા ૧ર મી. મી. વરસાદ નોંધાયેલ છે. જેને પગલે કચ્છી માંડુઓમાં ખુશીની લહેર જોવા મળી છે.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા અહીંથી પાણી, છોડવામાં આવતા ખેડૂતોને પીયતની સુવિધા મળી રહે તે માટે પ૦૦૦ કયુસેક જેટલું પાણી છોડાતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

આ લખાઇ રહયું છે. સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ઘેરાયેલા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ ચાલુ છે.

(4:17 pm IST)