ગુજરાત
News of Thursday, 19th July 2018

સંજીવ ભટ્ટ દ્વારા બંગલામાં થયેલ ગેરકાયદે બાંધકામ કેસનો ચુકાદો અનામત

પૂર્વ પોલીસ ઓફિસર સામે ૨૦૧૧થી ચાલી રહેલા કેસની સુનાવણી પૂર્ણ થઇ

રાજકોટ તા. ૧૯ : પૂર્વ આઈપીએસ ઓફિસર શ્રી સંજીવ ભટ્ટે અમદાવાદના ડ્રાઈવ-ઇન વિસ્તારના સુશીલનગરમાં આવેલા તેના બંગલામાં ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાનો આક્ષેપ કરતી અરજીની સુનાવણી પૂર્ણ કરી ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો છે.

સંજીવ ભટ્ટના પાડોશી પ્રવીણ પટેલે વર્ષ ૨૦૧૧માં હાઈકોર્ટમાં પીટિશન કરી દાદ માગી હતી કે તેમના ઘરની બાઉન્ડ્રી વોલનો આધાર લઈ સંજીવ ભટ્ટે બે માળનું બાંધકામ શરૂ કર્યુ છે. જે સંદર્ભે કોર્ટે વર્ષ ૨૦૧૨માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મામલે ઘટતું કરવા આદેશ આપ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનને આ બાંધકામ ગેરકાયદે લાગતા સંજીવ ભટ્ટને નોટિસ અપાઈ હતી કે ત્રણ દિવસની અંદર વાંધાજનક બાંધકામ દૂર કરવામાં આવે નહીં તો કોર્પોરેશન બાંધકામ તોડી પાડશે. ત્યારબાદ કોર્પોરેશને પણ કોઈ કામગીરી કરી નહોતી અને સંજીવ ભટ્ટ દ્વારા બન્ને માળનું બાંધકામ કરી ત્યાં કિચન, બેઠકરૂમ અને સર્વન્ટ કવાર્ટર બનાવવામાં આવ્યા હતા.

તેથી તેના પાડોશીએ ફરી ૨૦૧૮માં પીટિશન કરી હાઈકોર્ટની દાદ માગી હતી અને ૧૨મી જુલાઈએ અઠવાડિયે સિંગલ જજ સમક્ષ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાતરી આપી હતી કે આ બાંધકામને આવનારા સાત દિવસમાં તોડી પાડવામાં આવશે. જો કે સંજીવ ભટ્ટે બાંધકામના ડિમોલિશન સામે સ્ટે મેળવ્યો હતો અને ડિમોલીશનની કામગીરીને ડિવીઝન બેંચ સમક્ષ પડકારી હતી.

શ્રી સંજીવ ભટ્ટ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમણે આ મકાન વર્ષ ૧૯૯૭માં ખરીદ્યુ હતું. ત્યારબાદ કમ્પાઉન્ડ વોલની રિપેરિંગની કામગીરી કરતા સમયે તેમને જાણવા મળ્યું કે કમ્પાઉન્ડ વોલના બાંધકામમાં ભંગાણ જોવા મળ્યું હતુ. એટલે કે તે દિવાલ પર પહેલાં પણ કોઈ બાંધકામ ચણવામાં આવ્યું હતું, જે બાદમાં તોડી પાડવામાં આવ્યું હશે. આમ તેઓ જૂનું બાંધકામ હતું ત્યાંજ ચણતર કરી રહ્યા હતા. તેથી સરકાર પાસે નવા બાંધકામની પરવાનગી લેવાની કોઈ જરૂર રહેતી નથી.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોર્પોરેશનને ટકોર હતી કે વર્ષ ૨૦૧૨માં કોર્ટેના આદેશ બાદ ડિમોલીશનની કામગીરી શા માટે ન કરવામાં આવી? શ્રી સંજીવ ભટ્ટે કોર્ટના આદેશને પડકાર્યો નહોતો છતાં પણ કોર્પોરેશને કાર્યવાહી ન કરી તે વાત ઘણાં પ્રશ્નો ઉપસ્થિત કરે છે તેવી વાત પણ કોર્ટ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. હાલ આ કેસની તમામ દલીલો સાંભળી ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.

(3:54 pm IST)