ગુજરાત
News of Thursday, 19th July 2018

મ્યુનિ. ઢોરવાડાના ઢોરો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાશે

બે ખાનગી ઘાસ સેન્ટર પાસેથી ઘાસચારો ખરીદાશે : ઢોરોના ઘાસચારાને લઇ સ્ટેન્ડીંગ કમિટિમાં હવે દરખાસ્ત રજૂ કરાશે : વિપક્ષી કોંગ્રેસની પણ નિર્ણય પર બાજ નજર

અમદાવાદ, તા.૧૮ :  છેલ્લા એક વર્ષથી હાઈકોર્ટ દ્વારા શહેરના બિસમાર રસ્તા અને રખડતાં ંઢોરના મામલે સત્તાવાળાઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવે છે. તાજેતરમાં પણ હાઈકોર્ટે રસ્તા પર ઢોરને ઘાસચારો ખવડાવવાની પ્રવૃત્તિમાં હાઈકોર્ટના આદેશ બાદ પણ લેશમાત્ર ઘટાડો થયો ન હોઈ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. જો કે, અમ્યુકો તંત્ર દ્વારા હવે ઢોરવાડામાં રખાયેલા પશુઓ-ઢોર માટે રૂ.૯૦ લાખના ખર્ચે ઘાસચારો ખવડાવવાની હિલચાલ આરંભાઇ છે.  અમ્યુકોના ઢોરવાડાનો ઢોરોને લાખો રૂપિયાના ખર્ચે ઘાસચારો ખવડાવવા અંગેની દરખાસ્ત આવતીકાલે સ્ટેન્ડીંગ કમીટીમાં પણ રજૂ થનાર છે. અમ્યુકો તંત્ર દ્વારા ગત ઓગસ્ટ ૨૦૧૭થી હાઈકોર્ટના આદેશના પગલે રસ્તા પરના લોકોને કનડતા અને અનેકવાર જીવલેણ અકસ્માત સર્જીને છેક મોતનાં મોંમાં ધકેલનારા રખડતાં ઢોરને ઝબ્બે કરીને ઢોરવાડામાં પૂરવાનું ખાસ અભિયાન હાથ ધરાયું છે. આમ તો મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા વર્ષોથી રખડતાં ઢોરને પકડીને ઢોરવાડાના હવાલે કરવા ખાસ ઢોર ત્રાસ અંકુશ વિભાગ ચલાવાય છે. આ વિભાગના કર્મચારીઓને ઢોર પકડવાની કામગીરી દરમિયાન ખાસ પોલીસ બંદોબસ્ત ફાળવાય છે. તેમ છતાં ઢોર ત્રાસ અંકુશ વિભાગને ઢોર પકડવાની કામગીરીમાં વિશેષ સફળતા મળી ન હોઈ તેનું ખાનગીકરણ કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો એકમાત્ર ઢોરવાડો દાણીલીમડામાં છે. જ્યાં ઢોર ત્રાસ અંકુશ વિભાગના 'રાઉન્ડ ધી ક્લોક' ઢોર પકડવાના અભિયાન બાદ પણ ૬૦૦૦થી ૬૫૦૦ ઢોરથી વધુ ઢોર ક્યારેય હોતાં નથી. આવા સંજોગોમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના સાડા ત્રણ મહિના વિત્યા બાદ ઢોર ત્રાસ અંકુશ વિભાગે રૂ. ૯૦ લાખની મર્યાદામાં ઢોરવાડાનાં ઢોરને ઘાસચારો ખવડાવવાની દરખાસ્ત મૂકતાં ચર્ચા ઊઠી છે. આ દરખાસ્ત મુજબ લીલી બાજરી, લીલી જુવાર, મકાઈના પૂળા જેવાં લીલા ઘાસ માટે રૂ. ૫૦ લાખની મર્યાદામાં રાજ રાજેશ્વરી ઘાસ સેન્ટર અને સૂકી જુવારના પૂળા, સૂકી ડાંગરના પૂળા, જેવાં સૂકા ઘાસ માટે રૂ. ૪૦ લાખની મર્યાદામાં સીતારામ ઘાસ સેન્ટર પાસેથી ઘાસ ખરીદાશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ તંત્રની આ દરખાસ્તને મંજૂરી માટે મુકાઈ છે, ત્યારે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા આ અંગે લેવાનારા નિર્ણય પર વિપક્ષ કોંગ્રેસ પણ નજર રાખીને બેઠી છે.

(7:15 pm IST)