ગુજરાત
News of Thursday, 19th July 2018

રાજ્યભરમાં ગયા વર્ષ કરતા થયેલ સરેરાશ ઓછી વાવણી

રાજ્યમાં આ વર્ષે ૩૭ ટકા ઓછી વાવણી થઇઃ કપાસની કુલ ૧૭.૨૩ લાખ હેક્ટર વિસ્તારમાં તેમજ મગફળીની ૮.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી થઇ

અમદાવાદ, તા. ૧૮: ગુજરાતમાં મોનસુનમાં વિલંબ થવાના પરિણામ સ્વરુપે પાકની વાવણીમાં હજુ પણ તેજી આવી શકી નથી. ગયા વર્ષની સરખામણીમાં સરેરાશ વાવણીની ગતિ ખુબ ધીમી રહી છે. આ વર્ષે હજુ સુધી ગુજરાતના અડધાથી વધુ હિસ્સામાં ઓછો વરસાદ થયો છે. આવી સ્થિતિમાં કૃષિ સમુદાયની સાથે સાથે સરકાર પણ ચિંતાતુર બનેલી છે. રાજ્ય સરકારે જે વિસ્તારોમાં વાવણીની પ્રક્રિયા પુરી કરી લેવામાં આવી છે તેવા વિસ્તારમાં નુકસાનની ખાતરી કરવા સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. કૃષિ વિભાગના અધિકારીઓના કહેવા મુજબ એકબાજુ કેટલાક વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. જ્યાં વાવણીની પ્રક્રિયા પહેલાથી જ પુરી થઇ ચુકી હતી ત્યાં પણ ભારે નુકસાન થયું છે. અધિકારીઓનું કહેવું છે કે, પાકને થયેલા નુકસાનની ખાતરી કરવા માટે તથા મુલ્યાંકન કરવા માટે પાણી ઉતરી ગયા બાદ આ વિસ્તારોમાં અધિકારીઓની ટીમો મોકલવામાં આવશે. બીજી બાજુ મોનસુનમાં વિલંબ થવાના લીધે રાજ્યમાં પાકની વાવણીની ગતિ ધીમી રહી છે. એકબાજુ ઓછા વરસાદ અને બીજી બાજુ વધારે પડતા વરસાદ બંને સ્થિતિમાં ખેડુત સમુદાયને નુકસાન થયું છે. એકબાજુ સૌરાષ્ટ્રમાં હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે. એવા વિસ્તારમાં જે નદીની નજીક છે તેવા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પાકને ભારે નુકસાન થયું છે. માટી પણ તણાઇ ગઇ છે. આવા વિસ્તારોમાં પથ્થરો અને અન્ય ચીજો ઉપસી આવી છે અને પાકને નુકસાન થયું છે. ૩૮.૭૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવણીની પ્રક્રિયા પુરી થઇ ચુકી છે જે ૮૫.૬૫ લાખ હેક્ટરની સિઝનલ સરેરાશ પૈકી ૪૫ ટકાની આસપાસ છે. ગયા વર્ષની સરખામણીમાં આજગાળામાં આ વર્ષે વાવણી ૩૭ ટકા ઓછી રહી છે. કપાસની વાવણી ગતિ પકડી રહી છે. છ લાખ હેક્ટરમાં આ સપ્તાહમાં વાવણી થઇ છે. કપાસના વાવણીનું કુલ ચિત્ર ૧૭.૨૭ લાખ સુધી પહોંચી ગયું છે. આવી જ રીતે મગફળીની વાવણી ગયા વર્ષે ૫.૧૭ લાખ હેક્ટરમાં હતી જે હવે ૮.૭૭ લાખ હેક્ટરમાં થઇ છે.

(10:07 pm IST)