ગુજરાત
News of Saturday, 19th June 2021

દિવસે દિવસે બહુરૃપિયો કોરોના માયાવી જાળ રચે છે

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ એન્ટિબોડીને પણ ઉલ્લુ બનાવી જાય છે

વાયરસમાં આવેલા નવા ફેરફારથી ડેલ્ટા વેરિયન્ટને એન્ટિબોડી ઓળખી શકતા નથી : જેના કારણે વાયરસ આસાનીથી એન્ટિબોડીનું સુરક્ષા કવચ ભેદીને પોતાનું કામ કરી જાય છે : એન્ટિબોડી ડેવલોપ થઈ ગયા હોય તો પણ કોરોનાથી સાવચેત થઈને જ રહેવું પડશે

અમદાવાદ,તા.૧૯:  અમદાવાદના ચીફ ફાયર ઓફિસર એવું માનતા હતાં કે તેમને એકવાર કોરોના થયો છે તો હવે ફરી સંક્રમણ નહીં થાય જોકે તેમની માન્યતાનો આ પરપોટો ત્યારે ફૂટી ગયો જયારે કોરોનાથી રિકવર થયાના ૩૦ દિવસ પછી ફરી તેમને વાયરસે જકડી લીધા અને આ વખતે તો કંઈક વધારે જ હાવી થયો જેમાં તેમને ૧૩ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જયારે પહેલીવાર તેમને કોરોના સંક્રમણ થયું ત્યારે તેઓ દ્યરમાં જ કવોરન્ટીન થયા હતા અને તેમને સારું થઈ ગયું હતું. જે બાદ તેઓ એવું માની રહ્યા હતાં કે હવે તો તેમનામાં રોગપ્રતિકારક શકિત એટલે કે કોરોના સામે લડી શકે તેવા એન્ટિબોડી આવી ગયા છે તો ચિંતાનું કારણ નથી. પરંતુ બીજી વાર જયારે કોરોના થયો ત્યારે તેમના ફેંફસામાં ખૂબ જ વધારે ઇન્ફેકશન જોવા મળ્યું હતું.જોકે આ પહેલો એવો કેસ નથી ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ આવે કેસ મળ્યા છે જેમાં એકવાર કોરોનાથી સ્વસ્થ થયા પછી કે રસી લઈ લીધા પછી પણ લોકોને ફરીથી કોરોના ઇન્ફેકશન થતા નાગરિકો આશ્ચર્યમાં પડ્યા છે. ે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું તેમાં આપણને વિચારતા કરી મૂકે તેવા પરિણામ જોવા મળ્યા છેઆ સંશોધનમાં જોવા મળ્યું કે કોરોનાનો B.1.167.2 જેને હવે ડેલ્ટા વેરિયન્ટ એવું નામ આપવામાં આવ્યું છે તેણે પોતાના મૂળ સ્વરુપમાં કેટલાક ફેરફાર કર્યા છે જેના કારણે એન્ટિબોડી તેને ઓળખી શકતા નથી અને શરીરમાં દાખલ થયા પછી આસાનીથી એન્ટિબોડીને ચકમો આપીને પોતાનું કામકાજ આરંભી દે છે. કોરોના વાયરસના આ વેરિયન્ટમાં તેના સ્પાઇક પ્રોટીનમાં E156G અને Arg158 તેમજ Phe-157/del ફેરફાર થયા છે જેના કારણે વુહાનમાં મળી આવેલા પહેલા કોરોના વાયરસ કરતા તેના જેનોમ સિકવન્સ બદલાઈ ગા છે જેથી એન્ટિબોડી આ વાયરસને ઓળખવામાં થાપ ખાઈ જાય છે.

આ સંશોધનમાં સામે આવ્યું કે કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટમાં Arg158 તેમજ Phe-157/del નામના એમિનો એસિડ ગાયબ છે અને તેના સ્પાઈક પ્રોટીનમાં E156G માં મ્યુટેશન જોવા મળ્યું છે. જેના કારણે જયારે આ વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે શરીરમાં રહેલા એન્ટિબોડીની મેમરીમાં આવા કોઈ વાયરસ અંગે માહિતી હોતી નથી જેથી તે તેના પર હુમલો કરીને નાશ કરતા નથી આ રીતે વાયરસ આસાનીથી બચી જાય છે.ત્યારે કોરોના સંક્રમણને કાબૂમાં રાખવા માટે સંશોધકોએ વધારે સારી રીતે વાયરસના જેનોમિક સિકવન્સમાં આવતાં ફેરફાર, વાયરલેન્સ અને બદલાયેલી એન્ટિજેન્સિટી અંગે મોનિટરિંગ પર ભાર મૂકયો છે. મહત્વનું છે કે રાજય સરકારે હાલમાં જ કોરોનાની સંભવીત ત્રીજી લહેરને ધ્યાને રાખીને કહ્યું કે રાજયમાં પ્રત્યેક મહિનામાં વાયરસના જેનોમિક સિકવન્સિંગમાં થતાં ફેરફાર પર મોનિટરિંગ માટે ૧૦૦૦ સેમ્પલનો અભ્યાસ કરવામાં આવશે.

જોકે નિષ્ણાંતોએ કહે છે કે વાયરસનું આ રીતે રોગપ્રતિકારક શકિતથી બચી જવાની ઘટના હજુ મોટાપ્રમાણમાં જોવા મળી નથી. આ કેટલાક ગણ્યાંગાંઠ્યા કેસ છે. શહેરના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. અમિત પ્રજાપતિએ કહ્યું કે 'એપ્રિલ મે મહિનામાં બીજી લહેર દરમિયાન અમારી પાસે એવા ખૂબ જ જૂજ કેસ આવ્યા હતા જેમાં બીજીવાર સંક્રમણ થયું હોય અને દર્દીની હાલત ગંભીર હોય. અમારે ત્યાં એક જ એવા દર્દી અત્યાર સુધીમાં આવ્યા છે જેમણે રસીના બંને ડોઝ લીધા હોય અને તે પછી પણ તેમને કોરોના સંક્રમણ થયું હોય. ે ભલે એન્ટિબોડી ડેવલોપ થઈ જાય તેમ છતાં આપણે સાવ બેફિકર બની જવું જોઈએ નહીં.'

(12:02 pm IST)