ગુજરાત
News of Saturday, 19th June 2021

સુરત :અન્ય માધ્યમની જેમ ઉર્દુ માધ્યમમાં ધોરણ 11-12ના વર્ગ શરૂ કરવા માંગણી

માઈનોરિટી અધિકાર સમિતિ દ્વારા મેયર સહિતના અધિકારીઓને રજૂઆત

સુરત : ધોરણ 10માં માસ પ્રમોશન આપવાથી સુરત મનપા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓને ધોરણ 11 અને 12માં પ્રવેશની મુશ્કેલી ઉભી થવાની સંભાવના હતી. તે નિવારવા માટે મનપાની સ્થાયી સમિતિ દ્વારા સુમન શાળા ગુજરાતી, મરાઠી, હિન્દીના ધોરણ 11 અને 12ના નવા 14 વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ તે જ પ્રમાણે સુમન ઉર્દૂ માધ્યમમાં પણ વર્ગો શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. માઈનોરિટી અધિકાર સમિતિ દ્વારા આજે મેયર સહિતના અધિકારીઓને આ રજૂઆત કરવામાં આવી છે.

સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આશરે 28થી વધુ માધ્યમની પ્રાથમિક શાળાઓમાં 1800 વિદ્યાર્થીઓએ ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં પ્રવેશ લીધો છે. સમગ્ર શહેરમાં ઉર્દુ માધ્યમિક માટે ધોરણ 10માં માસ પ્રમોશન માટે ખટોદરાની શાળામાં 140, સીમગા 340, સોદાગરવાડમાં 111 અને લીંબાયતમાં 160 મળીને ઉર્દૂ માધ્યમમાં કુલ આશરે 750 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં માસ પ્રમોશન મેળવ્યું છે. આ વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 અને 12માં મુશ્કેલી પડે તેમ છે.

આ વિદ્યાર્થીઓ ગરીબ અને શ્રમિક વર્ગના હોય તેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે. જેથી આવા વિદ્યાર્થીઓ પણ ખાનગી માધ્યમની શાળાઓમાં પ્રવેશ મેળવીને અભ્યાસ કરી શકે તેટલા સક્ષમ નથી. તેથી ઉર્દુ માધ્યમમાં અભ્યાસ કરતાં માઈનોરિટી સમાજના વિદ્યાર્થીઓને પણ ન્યાય આપીને ઉર્દૂ માધ્યમમાં પણ ધોરણ 11 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી માગણી માઈનોરિટી કમિટીના કન્વીનર અસલમ સાઈકલવાળા દ્વારા આજે કરવામાં આવી હતી

(11:57 pm IST)