ગુજરાત
News of Tuesday, 18th June 2019

સુરતના કોસંબા નેશનલ હાઇવે પરની હોટેલમાં ચાર કામદારોને લાગ્યો ઇલેક્ટ્રીક કરંટ: બે વ્યક્તિનાં મોત :હોટલ સંચાલકો ફરાર

સાંઈ સીતારામ હોટલની અગાસીની લોખંડની સીડી પકડાતા કરંટ આવ્યો

 

સુરતના કોસંબા નજીક ધામદોડ ગામે નેશનલ હાઇવે 48  પર આવેલી સાઈ સીતારામ હોટલના ચાર કામદારોને કરંટ લાગતા બેનાં મોત નિપજ્યા હતા. જયારે બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટના બાદ હોટલ સંચાલકો ફરાર થઇ ગયા હતા. મૃતક પરિવારજનોએ હોટલ સંચાલકો પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને હોટલ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાં માંગ કરી હતી.

  સુરતના કોસંબા નેશનલ હાઇવે 48 પર આવેલી સાઈ સીતારામ હોટલના,હોટલના ટેરેસ પર જવા મુકેલી લોખંડની સીડી બે વ્યક્તિના મોતનું કારણ બની હતી. હોટલમાં કામ કરતા કામદારો પોતાનું કામ પતાવી હોટલના ટેરેસ પર આવેલી રૂમ પર આરામ કરવા ગયા હતા. સાંજના 4,30 વાગ્યાની આસપાસ હિતેશ વસાવા નામનો 20 વર્ષીય યુવાન લોખંડની સીડી પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે લોખંડની સીડી પકડતા કરંટ લાગ્યો હતો. અન્ય કામદારો પણ કરંટ અજાણ હિતેશને બચાવવાનો પ્રયાસ કરતા તેમને પણ કરંટ લાગ્યો હતો

  ઘટનામાં 20 વર્ષીય હિતેશ અને 16 વર્ષીય પ્રકાશ વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો ઘટના બાદ હોટલ સંચાલક ફરાર થઇ ગયા હતા.

(12:04 am IST)