બોરસદના નાપા ગામે નજીવી બાબતે મહિલાનો ઢોર માર માર્યો
બોરસદ:તાલુકાના નાપા તળપદ ગામે બે દિવસ પહેલાં સવારના સુમારે પવનને કારણે કંતાન ઉડીને પડવા બાબતે ત્રણ શખ્સોએ તકરાર કરીને એક મહિલાને લાકડીથી માર મારીને ફ્રેક્ચર કરી નાંખતા આ અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર ગામના પંચાયત પાછળ રહેતા સવિતાબેન મોહનભાઈ તળપદાએ બનાવેલી કંતાનની ચોકડીએ કપડાં ધોતા હતા ત્યારે એકાએક પવનને કારણે કંતાન ઉડીને જેણાભાઈ રામાભાઈ તળપદાની ખુલ્લી ચોકડીમાં પડયું હતુ જેથી જેણાભાઈએ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કરી દીધું હતુ.
સવિતાબેને ગાળો બોલવાની ના પાડતાં જેણાભાઈ લાકડી લઈ આવ્યો હતો અને હાથના પંજા ઉપર મારતાં જમણા હાથની ટચલી આંગણીએ ફ્રેક્ચર થઈ જવા પામ્યું હતુ. કૈલાશબેન તથા ભઈજીભાઈએ પણ ગમે તેવી ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.