ગુજરાત
News of Thursday, 19th May 2022

૨૦મે - વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ ગુજરાતમાં કેવડીયા ખાતે ઉજવાશે

રાષ્ટ્રીય કાર્યક્રમનું કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર કરશે ઉદ્દ્ઘાટન:દેશના પાંચ રાજ્યોમાં સાત સ્થળોએ મધ ટેસ્ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટ શરૂ કરાશે:કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા દેશના તમામ મધમાખી ઉછેરકારોને સાથે રાખીને આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી કરાશે

અમદાવાદ : રાજ્યના નર્મદા જિલ્લામાં એકતા નગર, ટેન્ટ સિટી-૨ ખાતે આવતી કાલે ૨૦મી મેના રોજ વિશ્વ મધમાખી દિવસ અનુસંધાને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા એક વિશાળ રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે તોમર પાંચ રાજ્યોમાં સાત સ્થળોએ મધ ટેસ્ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનું પણ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપીને દેશના નાના ખેડૂતોને મહત્તમ લાભ આપવાનો છે, જે માટે પ્રધાનમંત્રી મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.
નાગરિકોને સ્વસ્થ રાખવા અને આ વિષયના વિવિધ પડકારોનો ઉકેલ લાવવામાં મધમાખીઓ અને અન્ય પરાગ રજકોની ભૂમિકા મહત્વની છે. તે વિશે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૨૦ મે, ને વિશ્વ મધમાખી દિવસ તરીકે જાહેર કર્યો છે. જે અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા દેશના તમામ મધમાખી ઉછેર કરનારાઓને સાથે લઈને આ મહત્વપૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ દરમિયાન મધમાખી ઉછેર ક્ષેત્રની વિવિધ જાતો અને ઉત્પાદનોને પ્રદર્શિત કરવા માટે મધમાખી ઉછેર કરનારાઓ, પ્રોસેસર્સ અને મધમાખી ઉછેર ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો દ્વારા સ્ટોલ સાથેનું પ્રદર્શન યોજવામાં આવશે. મધુક્રાંતિ પોર્ટલ માટેની અમલીકરણ એજન્સી ઇન્ડિયન બેંક દ્વારા મધમાખી ઉછેર કરનારાઓની આજીવન નોંધણી અભિયાન હેઠળ ખાસ એક સ્ટોલ પણ ઉભો કરવામાં આવશે. મધમાખી ઉછેર કરનારાઓમાં મધમાખી ઉછેરના વૈજ્ઞાનિક જ્ઞાનને વધારવા માટે "ઉત્પાદન ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઢબે મધમાખી ઉછેરનું સંશોધન અને વિકાસ – અનુભવની વહેંચણી અને પડકારો" અને "માર્કેટિંગના પડકારો અને ઉકેલો (ઘરેલું/વૈશ્વિક)" પર ચર્ચા અને તકનીકી સત્રોનું પણ આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી તોમર દ્વારા ગુજરાતમાંથી જમ્મુ કશ્મીરમાં પુલવામા, બાંદીપોરા, કર્ણાટકના તુમકુર, ઉત્તર પ્રદેશના સહારનપુર તથા પુણે અને ઉત્તરાખંડ ખાતે સ્થાપિત મધ ટેસ્ટિંગ લેબ અને પ્રોસેસિંગ યુનિટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી અને સુશ્રી શોભા કરંદલાજે વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સુશ્રી મતેજા વોડેબ, રિપબ્લિક ઓફ સ્લોવેનિયાના રાજદૂત, સુશ્રી કોંડા રેડ્ડી ચાવવા, ભારતના એફ.એ.ઓ.(FAO) પ્રતિનિધિની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં યોજાશે. મધમાખી ઉછેર કરનારાઓ, ખેડૂતો, પ્રોસેસર્સ, ઉધ્યોગ સાહસિકો અને મધ ઉત્પાદન સાથે સંબંધિત અન્ય હિતધારકો આ કાર્યક્રમમાં ભાગ લેશે.

(6:38 pm IST)