ગુજરાત
News of Thursday, 19th May 2022

વડોદરાના સેવાસી સિંધ રોડ ઉપર ઇકો કારમાં ભડથુ થયેલ હાલતમાં મળેલ બિલ્‍ડર હરીશ અમીનનું અકસ્‍માતમાં નહીં પરંતુ રહસ્‍યમય સંજોગોમાં હત્‍યા થયાનું ખુલ્‍યુ

બિલ્‍ડર હંમેશા ડ્રાઇવર સાથે મોંઘી કારમાં ફરતા પરંતુ તે દિવસે ઇકો કારમાં કેમ ગયા ? તે રહસ્‍ય

વડોદરાઃ વડોદરાના સેવાસી સિંધ રોડ પર વહેલી સવારે 3.30 વાગ્‍યે અચાનક ઇકો કારમાં આગ લાગતા કાર ચાલક બિલ્‍ડર હરીશ અમીનનું ઘટના સ્‍થળે મોત થયુ હતુ. ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી. પોલીસે ડીએનએ સેમ્‍પલ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બુધવારે વડોદરાના સેવાસી સિંધરોટ રોડ પર ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. વહેલી સવારે 3:30 વાગ્યાના સુમારે ઇકો કારમાં આગ ને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટનાં કારણે કારમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અચાનક લાગેલી જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કારમાં બેઠેલા બિલ્ડર હરીશ અમીનનું મૃત્યું થયું હતું અને અને કાર બળીને ખાખ થઇ ગઇ હતી. કાર ચાલકને પણ કારમાંથી બહાર નીકળવાનો સમય ન મળ્યો. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.

પરંતુ બુધવારે સર્જાયેલી આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે આ ઘટના કોઇ અકસ્માત નહી પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે કારમાં એક જ વ્યક્તિ સવાર હતો પરંતુ બંનેના સીટ બેલ્ટ બાંધેલા હતા. તેમજ કારનો ડાબી તરફનો દરવાજો ખુલ્લો હતો. બિલ્ડર હરીશ અમીન હંમેશા મર્સિડીઝ, ઇના અને મારૂતિ સ્વિટમાં ડ્રાઇવર રામુ સાથે ફરતા હતા પરંતુ તે દિવસો ઇકો કારમાં કેમ નિકળ્યા તે મોટું રહસ્ય છે. આ ઘટનાને સંદર્ભે પોલીસે ડીએનએ સેમ્પલ લીધા છે. આ ઘટના બાબલે પરિવારે કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કરોડોની જમીનો અને સંપત્તિ ધરાવતા હરીશ અમીનની એક કદાવર નેતા જોડે જમીન અંગે વાતચીત ચાલતી હતી જોકે એમાં વિવાદ થયો હોવાનું બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છેબીજી તરફ આણંદના નાપા ગામના માથાભારે લોકો સાથે પણ હરીશભાઈને વિવાદ થયો હોવાની માહિતી બહાર આવી છે.

(4:47 pm IST)