ગુજરાત
News of Thursday, 19th May 2022

ધો.10નું પરિણામ જુન મહિનાના પ્રથમ સપ્‍તાહમાં જાહેર થવાની શક્‍યતાઃ પરિણામ અંગે સંપૂર્ણ તૈયારી પૂર્ણતાના આરે

7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધો.10ની પરિક્ષા આપી હતી

અમદાવાદઃ વિદ્યાર્થીઓ અને વાલીઓ ધો.10ના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ધો.10નું પરિણામ સંભવિત જુન મહિનાના પ્રથમ સપ્‍તાહમાં જાહેર થશે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડ દ્વારા 2022ના રિઝલ્‍ટ અંગેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધો.10ની પરિક્ષા આપી હતી.

વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે તે ધોરણ 10ના પરિણામો જલ્દી જ જાહેર કરવામાં આવશે.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા GSEB ગુજરાત બોર્ડ SSC પરિણામો ટૂંક સમયમાં જાહેર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એટલેકે, GSEB SSC પરિણામ 2022 એ રિઝલ્ટ અંગે સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

મહત્ત્વનું છેકે, ધોરણ-12નું પરિણામ તો આ પહેલાંથી જ જાહેર થઈ ગયેલું છે. HSC ના પરિણામની સાથે જ ગુજકેટ પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું છે. હવે ગુજરાત બોર્ડ 10ના પરિણામનો વારો છે. મીડિયા અહેવાલો અનુસાર, ગુજરાત બોર્ડના ધોરણ-10 એટલેકે, SSC નું પરિણામ જૂન મહિનાના પહેલાં સપ્તાહમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે.

ગુજરાત બોર્ડ SSC પરીક્ષા 2022 નું પરિણામ જાહેર થયા પછી સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી ચકાસી શકાય છે. ઉલ્લેખનીય છેકે, હજુ સુધી ધોરણ-10નું પરિણામ કઈ તારીખે જાહેર કરાશે તેવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવો અંદાજ છે કે GSEB 10માનું પરિણામ આગામી 2 જૂનથી 5 જૂનની વચ્ચે જાહેર થઈ શકે છે. યાદ રાખો કે આ એક સૂચક તારીખ છે જે ફેરફારને પાત્ર છે.

આ વખતે GSEB 10મીની પરીક્ષામાં 7 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરીક્ષાઓ 28 માર્ચથી 09 એપ્રિલ 2022 દરમિયાન લેવામાં આવી હતી. પરિણામ જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને પરિણામ આ જૂન મહિનાના પહેલાં વીકમાં આવવાની ધારણા છે. જોકે, હજુ સરકાર કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે વિધિવત રીતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો હવે જલ્દી અંત આવશે એ નક્કી છે.

(4:45 pm IST)