ગુજરાત
News of Thursday, 19th May 2022

ભરૂચ જીલ્લાના જંબુસર પંથકમાં દારૂની રેલમછેલ સામે પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ અને ટીમ આકરા પાણીએઃ 40 દિવસમાં 1090 કેસ થતા બુટલેગરોમાં ફફડાટ

જીલ્લાના વિસ્‍તારોને દારૂના દુષણમુક્‍ત કરવા 35 હજાર લીટર દેશી દારૂ, 21 હજાર બોટલ સાથે 1100થી વધુ શખ્‍સોને ઝડપી લીધા

ભરૂચઃ જંબુસરના નાડા ગામના સરપંચ સહિત ગ્રામજનોની અવારનવાર રજુઆત છતાં ગામમાં દારૂનું દુષણ અટકતુ નથી તેવા અહેવાલથી નવનિયુક્‍ત પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના ગ્રામજનો સાથે મિટીંગ કરી તમામ બુટલેગરોના દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી દારૂની ભઠ્ઠીઓને નેસ્‍તનાબુદ કરી છે. 40 દિવસમાં 1090 ગુન્‍હા કરી પ્રોહિબિશન એક્‍ટ હેઠળ નોંધાયા છે.

દારૂને કારણે હૈયું હચમચાવી દે એવી સ્વજનોને ગુમાવનારની વેદના સામે આવી છે. ભરૂચ જિલ્લાના જંબુસરના નાડા ગામમાં દારૂની લતને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાના અહેવાલથી ભરૂચ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. તો બીજી તરફ નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલના આગમનની સાથે જ બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફક્ત 40 દિવસમાં 1090 ગુના ફક્ત પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયા છે.

મારા પતિ દારૂ પીને મરી ગયા છે, મારા ઘરમાં દારૂ પીવાને કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે. મહેરબાની કરીને કોઇ ગામમાં દારૂ બંધ કરાવો. આ શબ્દો છે ગીતાબેન પરમારના. ખુરશી પર બેઠેલાં ગીતાબેનના હાથમાં મૃતક પતિનો ફોટો છે અને માથા પર પરિવારનું ગુજરાન ચલાવવાની ચિંતાની લકીર છે, આવી હૈયુ હચમચાવી દે એવી વેદના એક ગીતાબેનની નહીં, પણ ગામની 150થી વધુ વિધવા મહિલાઓની છે. ગ્રામજનોની દારૂ મુક્ત ગામ કરવાની પહેલ રંગ લાવી, અને નવનિયુક્ત જિલ્લા પોલીસે ગ્રામજનોની સાથે મિટિંગ કરી અને તમામ બુટલેગરોમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા શરૂ કર્યા છે. એકલા નાડામાં જ નહિ પરંતુ બીજા અન્ય ગામડાંઓમાં પણ પોલીસની ટુકડીઓએ દેશી દારૂની ભઠ્ઠીઓને નેસ્ટ નાબૂદ કરી. હાલ ગામમાં દારૂ મળવાનો બંધ થયો છે જેથી સરપંચ પણ ખુશ છે.

ભરૂચના જંબુસરના નાડા ગામમાં દેશી દારૂને કારણે અનેક પુરુષોનાં મોત થયાં છે. નવયુવાનો દારૂની લતે ચડી પોતાની માતાને માર મારે છે. સરપંચ સહિત ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં ગામમાં દારૂનું દૂષણ અટકતું નથી. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ અવારનવાર સામે આવતાં દૃશ્યોથી અનેક સવાલ ઊભા થાય છે. ત્યારે ઝી24કલાકની ટીમે જંબુસરના છેવાડાના નાડા ગામની સ્ત્રીઓની વેદના સાંભળી હતી. 5 હજારની વસતિ ધરાવતા નાડા ગામમાં 150 ઘર એવાં છે, જેમાં માત્ર વિધવાઓ જ રહે છે. જેમના વૈધવ્યનું કારણ દારૂ છે. જ્યારે કેટલાંક મા-બાપ પોતાના જુવાન પુત્રના મૃત્યુને કારણે નિરાધાર અને નિસહાય બન્યાં છે.

દારૂને કારણે 150થી વધુ સ્ત્રીઓ વિધવા થઇ છે, જ્યારે હજુ અનેક સ્ત્રીઓને પોતાનાં પતિ અને બાળકોની ચિંતા કોરી ખાય છે, કારણ કે ગામના અનેક પુરુષો અને યુવાધન દારૂના રવાડે ચડ્યાં છે. ગામમાં ઘણી વિધવાઓ એવી છે, જેમનો એકનો એક પુત્ર દારૂ પીવે છે. કમાઇને ઘરમાં લાવવાના બદલે ઘરવખરી વેચીને પણ દારૂ પીવે છે. માતાઓને ખાવાનાં ફાંફાં પડે છે, 5-10 રૂપિયાના પડીકા ખાઇને દિવસ કાઢવો પડે છે. સરપંચ સહિત ગ્રામજનોની રજૂઆતો પોલીસના ધ્યાને આવતા જ પોલીસે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરી તમામ બુટલેગરોને ભૂગર્ભમાં ઉતરી જાવ મજબૂર કર્યા છે.

નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલની બદલી થયા અને ભરૂચમાં ૪૦ દિવસ થયા છે. 40 દિવસમાં પોલીસે 1090 કેસ પ્રોહીબીશન એક્ટ હેઠળ દાખલ કર્યા છે. 1100થી વધારે આરોપીઓ, 35000 લીટરથી વધુ દેશી દારૂ જેની કિંમત સાત લાખથી વધુ, તેમજ 21000 થી વધુ વિદેશી દારૂની બોટલ જેની કિંમત 32 લાખ થી વધુ હોઈ પોલીસે ઝડપી પાડી અને ગણતરીના દિવસોમાં જ ભરૂચને ડ્રાઈ જિલ્લો બનાવવાની કતાર પર લાવી દીધો છે. જિલ્લામાં ઘણા ગામડાં એવા હશે જેમાં કેટલીયે મહિલાઓએ પોતાના પતિ ખોયા છે તો, પુત્ર, ભાઈ ક્યાં પરિવારજનો ગુમાવ્યા છે. ગામમાં પોલીસના ભયથી દારૂ ગાળનાર અને દારૂ પીનાર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. નાડા ગામના ગ્રામજનો અને ગામની મહિલાઓએ પોલીસની સરાહનીય કામગીરીથી સંતોષ મેળવ્યો છે.

(4:44 pm IST)