ગુજરાત
News of Wednesday, 18th May 2022

દહેજમાં ભારત રસાયણના બ્લાસ્ટ અને આગના દુર્ઘટનામાં દાઝી ગયેલા બે લોકોના મોત

કંપનીએ બે મૃતકોના પરિજનોને 15 -15 લાખ ચૂકવવા તૈયારી દર્શાવી :હજી 27 લોકોની થઈ રહી છે સારવાર

દહેજમાં ભારત રસાયણના બ્લાસ્ટ અને આગના બનાવમા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. 36 ઇજાગ્રસ્તોમાંથી બે લોકોનાં મોત નીપજ્યા છે. સાત લોકોને ઓપીડીમાં સારવાર આપ્યા બાદ રજા આપી દેવાઈ હતી. જ્યારે 27 લોકોની સારવાર ચાલી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઉત્પાદનની પ્રક્રિયા પર પ્રતિબંધ લાદયો છે. કંપનીએ બે મૃતકોના પરિજનોને 15 -15 લાખ ચૂકવવા તૈયારી દર્શાવી છે. અને ચાલુ પગારે તમામ ઇજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ એટલે કે 17મી મેના રોજ સુરત પાસેના દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગી હતી. ભીષણ આગ લાગતાં 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ આગની દુર્ઘટનામાં 36 લોકો ઘાયલ થયા હતા, જેમાં 10ની હાલત ગંભીર હતા. દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો

(1:13 am IST)